Islamabad,તા.૨
પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે શનિવારે જણાવ્યું હતું કે તેમનો દેશ હાલમાં બે અલગ અલગ મોરચાઓ પર સંઘર્ષ કરી રહ્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે ભારત પાકિસ્તાનની લશ્કરી અને આર્થિક શક્તિને નબળી પાડવા માટે પૂર્વ અને પશ્ચિમ બંને સરહદો પર તણાવ ઊભો રાખવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ નિવેદન તેવા સમયે આવ્યું છે જ્યારે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે તાજેતરમાં સરહદી હિંસા ફાટી નીકળી હતી, અને કતાર તથા તુર્કીની મધ્યસ્થી હેઠળ બંને દેશો વચ્ચે તાત્કાલિક યુદ્ધવિરામ માટે સમજૂતી થઈ છે.
ખ્વાજા આસિફે ભારત સામે કડક શબ્દોમાં આક્ષેપ કરતાં કહ્યું કે નવી દિલ્હી લાંબા સમયથી અફઘાનિસ્તાનનો ઉપયોગ પાકિસ્તાન સામે “પ્રોક્સી યુદ્ધ” ચલાવવા માટે કરી રહ્યું છે.
તેમના જણાવ્યા મુજબ, અશરફ ગનીના શાસનકાળથી જ ભારત પડદા પાછળથી પાકિસ્તાન વિરુદ્ધ હુમલાઓનું આયોજન કરી રહ્યું હતું. તેમણે દાવો કર્યો કે આ બાબતે પાકિસ્તાન પાસે મજબૂત પુરાવા છે, જે યોગ્ય સમયે જાહેર કરવામાં આવશે.આસિફે વધુમાં ઉમેર્યું કે હાલની તાલિબાન સરકાર પણ ભારતના પ્રભાવ હેઠળ કાર્યરત છે, અને તેમણે કહ્યું કે કાબુલમાં થતી ઘણી બાબતો પર નવી દિલ્હીની અસર સ્પષ્ટ રીતે દેખાઈ રહી છે.
અફઘાનિસ્તાન સાથેની સરહદ પર થયેલી તાજી અથડામણોના કારણે બંને દેશો વચ્ચેના સંબંધો વધુ તણાવપૂર્ણ બન્યા છે. ભલે ઇસ્તંબુલમાં તુર્કી અને કતારની મધ્યસ્થી હેઠળ થયેલી ચર્ચાઓ બાદ બંને પક્ષો યુદ્ધવિરામ માટે રાજી થયા હોય, પરંતુ સ્થિતિ હજી પણ અશાંત છે. ખ્વાજા આસિફે ચેતવણી આપી કે ભારત આ પરિસ્થિતિનો લાભ ઉઠાવીને પૂર્વીય સરહદ પર નવી યુક્તિઓ અજમાવી શકે છે. તેમણે દાવો કર્યો કે પાકિસ્તાન દરેક પડકાર માટે સંપૂર્ણપણે તૈયાર છે.
છેલ્લા કેટલાક મહિનાઓથી ઇસ્લામાબાદ અને કાબુલ વચ્ચેના સંબંધો સતત વણસતા જોવા મળી રહ્યા છે.પાકિસ્તાનનું કહેવું છે કે તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનના આતંકવાદીઓ અફઘાન વિસ્તારથી સરહદ પાર હુમલા કરી રહ્યા છે. બીજી તરફ, તાલિબાન સરકારનું માનવું છે કે પાકિસ્તાન પોતાની સુરક્ષા નીતિઓની નિષ્ફળતા માટે અફઘાનિસ્તાનને દોષી ઠેરવી રહ્યું છે.

