New Delhi,તા.25
રાજકોટ-ગુજરાતમાં ખાદ્યતેલોનાં ડબ્બા-વજન પેકીંગ પ્રક્રિયાનો વિવાદ અને ઉહાપોહ સર્જાયો છે. ત્યારે કેન્દ્ર સરકારે તેલ ઉદ્યોગમાં ઉત્પાદનથી માંડીને વેચાણ સુધીનાં તબકકાઓને આવરી લઈને આવતા મહિને નવા નિયંત્રણાત્મક નિયમો બહાર પાડવાનું જાહેર કર્યું છે.
કેન્દ્રનાં ખાદ્ય સચીવ સંજીવ ચોપરાએ કહ્યું કે, પ્રવર્તમાન 2011 ના નિયમોનાં સ્થાને ‘વેજીટેબલ ઓઈલ પ્રોડકટસ’ ઉત્પાદન અને ઉપલબ્ધતા 2025 લાગુ થશે. જેમાં ખાદ્યતેલનાં ઉત્પાદન વેચાણ ભાવ તથા સ્ટોક વિશે ઓનલાઈન માહિતી આપવાનું ફરજીયાત બનશે.સરકાર માટે સ્ટોક અને ભાવનું મોનીટરીંગ અને નિયમપાલન સરળ થશે.
તેઓએ જણાવ્યું હતું કે, પારદર્શકતા તથા મોનિટરીંગનાં ઉદેશ સાથે ઘડાયેલા આ નિયમો વિશે તેલ ઉદ્યોગ સાથે પરામર્શ કરાયો હતો. પ્રક્રિયા અંતિમ તબકકે છે અને મોટાભાગે આવતા સપ્તાહમાં જ જારી કરી દેવામાં આવશે.
આ નિયમનો હેઠળ સરકાર-ખાદ્યતેલોનાં ઉત્પાદન તથા ભાવ પર નજર રાખી શકશે. અત્યાર સુધી સરકારનો તેલ ઉદ્યોગનાં વિવિધ સંગઠનોના આંકડાઓ પર આધાર રાખવો પડશે. પરંતુ નવા નિયમનો હેઠળ ઉત્પાદન ભાવ, સ્ટોક, ઉપલબ્ધતાની વાસ્તવિક જાણકારી મળી શકશે અને સરકાર તેના આધારે જરૂરી પગલા લઈ શકશે.
તેઓએ કહ્યું કે, વૈશ્વિક-ઘટનાક્રમોનાં પ્રત્યાઘાતો રોકવા તથા ગ્રાહકોને મોંઘવારીનો માર ન પડે તે માટે આયાત જકાતમાં ઘટાડો કરાયો છે. ડયુટી ઘટાડાનો લાભ ગ્રાહકો સુધી પહોંચ્યો છે કે કેમ તેનુ ઈન્સ્પેકશન કરવામાં આવી રહ્યું છે.
તેમના કહેવા પ્રમાણે ખાદ્ય ફુગાવો નીચો આવ્યો હોવા છતાં ખાદ્યતેલોનાં ભાવ ઉંચા જ રહે છે. સીંગતેલ સિવાયનાં ખાદ્યતેલોમાં વર્ષે સરેરાશ 20 થી 30 ટકાનો ભાવ વધારો થાય છે તે સરકાર માટે ચિંતાનો વિષય છે.ભાવોને નિયંત્રણમાં રાખવા નાફેડનો સાત લાખ ટનનો રાયડાનો સ્ટોક વેંચાણમાં મુકાશે.
ઘર આંગણે તેલીબીંયાનું ઉત્પાદન વધારવા તથા આત્મનિર્ભર બનવાનો પડકાર માગે છે.સોયાબીન, સનફલાવર તથા રાયડાનો ઉતારો વૈશ્વિક સરખામણીએ ઓછો છે તેના માટે રિસર્ચ સહિતનાં અનેકવિધ પગલા લેવાની જરૂર છે.