New Delhi,તા.13
દિલ્હીમાં લાલકિલ્લા મેટ્રોસ્ટેશન પાસે થયેલા કાર બોમ્બ વિસ્ફોટ એ ત્રાસવાદી અને આત્મઘાતી હુમલો જ હતો તે નિશ્ચિત થયા બાદ એ પણ હવે સ્પષ્ટ થયું છે કે જેમ ત્રાસવાદે વ્હાઈટ કોલર સ્વરૂપ પકડયું છે અને ઉચ્ચ અભ્યાસ સાથે શિક્ષિત સમાજમાં સામેલ પણ કટ્ટરવાદી-જેહાદી માનસીકતા અપનાવી શકે છે.
તો વધુ એક તારણમાં હવે સરહદ પારના ત્રાસવાદમાં નવો રૂટ પણ ખુલ્યો છે અને દિલ્હી બ્લાસ્ટસમાં જે એમોનીયમ નાઈટ્રેટનો ઉપયોગ થયો તે બાંગ્લાદેશ તથા નેપાળના માર્ગે ભારતમાં ઘુસાડાયું હતું.
ફરિદાબાદમાં જે રીતે 2900 કિલો એમોનિયમ નાઈટ્રેટ ઝડપાયું તે બાંગ્લાદેશના માર્ગે નેપાળ લાવવામાં આવ્યું હતું અને ત્યાંથી ભારત-નેપાળની ખુલ્લી સરહદથી છેક હરિયાણાના ફરિદાબાદ પહોંચી ગયું છે.
આ એમોનીયમ નાઈટ્રેટ ફર્ટીલાઈઝર કંપનીનો ચોરીનો માલ હોવાનું પણ તપાસ એજન્સી માને છે અને એ પુરાવા મળ્યા છે કે કુલ 3200 કિલો એમોનિયમ નાઈટ્રેટ ઘુસાડાયું હતું તેમાં 2900 કિલો ઝડપાયુ છે.
તો દિલ્હી બ્લાસ્ટસમાં જે વિસ્ફોટનો ઉપયોગ થયો તેમાં પણ આ એમોનિયમ નાઈટ્રેટનો ઉપયોગ થયો છે કે કેમ તે તલાશ છે પરંતુ એ ચિંતા છે કે હજું 300 કિલો એમોનિયમ નાઈટ્રેટ પહોંચ બહાર છે અને તેને શોધવા ઉતરપ્રદેશના છ શહેરોમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે પણ હજુ સુધી કોઈ સફળતા મળી નથી.
જો કે બાંગ્લાદેશ-નેપાળના માર્ગે આ એમોનીયમ નાઈટ્રેટ ઘુસાડાયું તે મૂળ કયાંથી મેળવાયુ તેના પર તપાસ કેન્દ્રીત થઈ છે. શું તે પાકિસ્તાનથી સપ્લાય થયું હતું! આમ હજું સુધી આ હુમલામાં કોઈ પાક લીંક ખુલીને મળી નથી.

