Mumbai,તા.03
જાણીતા સિંગર ઝુબિન ગર્ગના મોતની ઘટના સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે અને દરરોજ આ કેસ સાથે જોડાયેલી નવી વિગતો સામે આવી રહી છે. આ દરમિયાન તપાસમાં એક નવો વળાંક આવ્યો છે, જ્યારે ઝુબિન ગર્ગના બેન્ડના બે સભ્યો સંગીતકાર શેખર ગોસ્વામી અને ગાયક અમૃત પ્રીતમની ધરપકડ કરવામાં આવી. આસામ પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) અને ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (CID) આ કેસની ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છે.
આ કેસમાં હાલમાં જ નોર્થઇસ્ટ ઇન્ડિયા ફેસ્ટિવલના આયોજક શ્યામકાનુ મહંત અને ઝુબિનના લાંબા સમયથી મેનેજર સિદ્ધાર્થ શર્માની ધરપકડ કરવામાં આવી હતી. બંનેને આ અઠવાડિયે રાજ્યની બહારથી ગુવાહાટી લાવવામાં આવ્યા હતા અને હવે તેઓ પોલીસ કસ્ટડીમાં છે. બંનેની પૂછપરછ કરવામાં આવી રહી છે, અને પોલીસ ઝુબિન ગર્ગના મૃત્યુમાં તેમની ભૂમિકા અંગે તપાસ કરી રહી છે.
ઝુબિનના બેન્ડ સાથે જોડાયેલા સંગીતકાર શેખર ગોસ્વામી અને ગાયક અમૃત પ્રીતમની પોલીસે ધરપકડ કરી છે. તેમને જિલ્લા અને સત્ર ન્યાયાધીશ (CJM) ની ઓફિસમાં લઈ જવામાં આવી રહ્યા છે, જ્યાં પૂછપરછ માટે પોલીસ કસ્ટડીમાં લેવામાં આવે તેવી સંભાવના છે. એવું કહેવાય છે કે, તેઓ 19 સપ્ટેમ્બરના રોજ સિંગાપોરમાં યાટ પાર્ટીમાં હાજર હતા, જ્યાં ઝુબિનનું મૃત્યુ થયું હતું.
નોંધનીય છે કે, પોલીસને તેમની વિરુદ્ધ પુરાવા મળ્યા છે, જેના કારણે તેમની પર તપાસ શરૂ કરવામાં આવી છે. એવું કહેવાય છે કે, એક વીડિયોમાં ઘટના સમયે શેખર ગોસ્વામી ઝુબિનની ખૂબ નજીક તરતા જોવા મળી રહ્યા છે. અમૃતે સમગ્ર ઘટનાને પોતાના મોબાઇલ ફોનનાં રેકોર્ડ કરી છે. આસામ પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે જણાવ્યું છે કે, ‘અમે આ દરેકની વિગતવાર પૂછપરછ કરી રહ્યા છીએ.’ઉલ્લેખનીય છે કે, ઝુબિન ગર્ગનું મૃત્યુ અંગે શરુઆતમાં સ્કુબા ડાઇવિંગ દરમિયાન થયું હોવાનું જણાવાયું હતું, પરંતુ તપાસમાં અનેક શંકાસ્પદ પાસાઓ સામે આવ્યા છે. તો આ બાજુ ઝુબિનના પરિવારે પણ અનેક સવાલો ઉઠાવ્યા છે. ગાયકની પત્ની ગરિમા ગર્ગે મીડિયા સમક્ષ વાત કરતા કહ્યું કે, ‘જ્યારે તેના મેનેજર અને અન્ય લોકો હાજર હતા ત્યારે ઝુબિનની સંભાળ કેમ ન રખાઈ, અને ઝુબિન ખૂબ થાકી ગયો હતો અને કદાચ તેને જબરજસ્તી સ્કુબા ડાઇવિંગ કરવાની ફરજ પાડવામાં આવી હોય !’