Gandhinagar,તા.૧૬
ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રની તારીખો નક્કી કવા માટે આગામી ૨૨ જુલાઈના રોજ ગૌણ વિધાન સમિતિની બેઠક યોજાનાર છે. આ બેઠકના નિર્ણય બાદ કેબિનેટમાં મંજૂરી મળશે અને રાજ્યપાલને જાણ કર્યા બાદ વિધાનસભા સત્ર માટે સત્તાવાર આહ્વાન આપવામાં આવશે. ત્યારે આગામી ચોમાસુ સત્ર ઓગસ્ટ ૨૦૨૫ના છેલ્લાં સપ્તાહમાં મળવાની સંભાવનાઓ વધી રહી છે.
અધિકારીક સૂત્રોના જણાવ્યા મુજબ, વિધાનસભાનું સત્ર ૨૫મી ઓગસ્ટથી ૨૮મી ઓગસ્ટ વચ્ચેના ત્રણ દિવસ માટે યોજાવાનું શક્ય છે. કારણ કે ૨૭મી ઓગસ્ટે ગણેશ ચતુર્થીની રજા હોવાથી સત્ર ૨૫મી, ૨૬મી અને ૨૮મી ઓગસ્ટના રોજ ચાલે તેવી શક્યતા છે. આ સત્રના પ્રથમ દિવસે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અવસાનથી લઈને વિધાનસભા ગૃહમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાશે. શ્રદ્ધાંજલિ બાદ પહેલી બેઠકનું કામકાજ મુલતવી રાખવામાં આવશે, જે વિધાનસભાની પરંપરાગત પ્રક્રિયા છે.
સામાન્ય રીતે ચોમાસુ સત્રમાં ખેડૂતો, મોંધવારી, બેરોજગારી, પાણીના પ્રશ્નો, રોડ-રસ્તાની હાલત, આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે સરકારની કામગીરી પર વિમર્શ થાય છે. જોકે ખાસ આ સત્રમાં રાજ્ય સરકાર દ્વારા ૧૨મી જૂને જારી કરાયેલ ખ્તજં દર સુધારાના વટહુકમને વૈધાનિક સ્વરૂપ આપતી બિલ રજૂ કરવાની પણ તૈયારી છે.
તો બીજી તરફ, ગુજરાતમાં તાજેતરમાં બનેલી બે મોટી ઘટનાઓ અમદાવાદ પ્લેન ક્રેશ અને ગંભીરા બ્રિજ દુર્ધટનાના મુદ્દાઓ પર સરકારને ઘેરવાનો પુરે પુરો પ્રયાસ વિપક્ષ કરશે. આ સિવાય મોંધવારી, ભ્રષ્ટાચાર, મનરેગા – જીઆઇડીસી જેવા કૌભાંડો અને આત્મહત્યાના જેવા ગંભીર મુદ્દા પર સવાલ ઉઠાવવાની તૈયારીઓ પર હાલ વિપક્ષએ કરી લીધી છે. ખાસ કરીને આમ આદમી પાર્ટી તરફથી સરકાર સામે આક્રમક વલણ અપનાવાય તેવી શક્યતા છે.
નોંધનિય છે કે, અત્યારે વિધાનસભા સત્ર ન ચાલે ત્યારે રાજ્યોમાં સરકારો વટહુકમ દ્વારા કાયદામાં સુધારા કરે છે. આ વખતે પણ ખ્તજંમાં થયેલા સુધારાને લઈને સરકારે પહેલાથી વટહુકમ બહાર પાડ્યો છે, જેને હવે વિધાનસભામાં લાવીને કાયદાકીય સ્વરૂપ આપવાનું રહેશે. આ બિલ વિધાનસભામાં પસાર કરીને રાજ્ય સરકારને કરધરમાં કરેલા બદલાવ માટે કાયદાકીય મંજુરી મળે તેવી કાર્યવાહી કરાશે.
વિધાનસભાના આ ત્રણ દિવસના ટૂંકા સત્રમાં સરકારના વિવિધ વિધેયક રજૂ થવાની શક્યતા છે. જે દરમિયાન વિધાનસભા ગૃહમાં ૧૮૨ ધારાસભ્યો હાજર રહેશે. જેમાંથી ભાજપના ૧૬૧, કોંગ્રેસના ૧૨, આમ આદમી પાર્ટીના ૪, એસપીના ૧ અને અપક્ષના ૨ ધારાસભ્યો છે. આમ, બહુમતી પાર્ટી હોવાને કારણે સરકાર સામેનો વાજબી વિરોધ પણ અસરકારક થઈ શકે નહીં. તેમ છતાં વિપક્ષ વિવિધ મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે.હવે આગામી સત્રના અંતિમ આયોજન અંગે સત્તાવાર જાહેરાત ૨૨ જુલાઈ પછી કરવામાં આવશે, તેવી માહિતી સામે આવી રહી છે.