રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૨.૦૮.૨૦૨૫ ના રોજ..
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૦૬૦૪ સામે ૮૦૫૦૮ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૦૧૬૪ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૮૩૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૬૮ પોઈન્ટના ઘટાડા સાથે ૮૦૨૩૫ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૬૨૭ સામે ૨૪૬૦૫ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૫૪૧ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૨૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૭૩ પોઈન્ટના ઘટાડા સાથે ૨૪૫૫૪ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
વૈશ્વિક અર્થતંત્રને ડામાડોળ કરી મૂકતાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ગેરવર્તનને લઈ વૈશ્વિક નારાજગી વધી રહી છે, ત્યારે હવે ટ્રમ્પ પોતાની નિષ્ફળતા છુપાવવા રશીયા પાસેથી ઓઈલ ખરીદીના નામે ભારત પર આકરાં ટેરિફ અને અન્ય પરોક્ષ પ્રતિબંધોની ધમકીઓ ઉચ્ચારતાં અને બીજી તરફ ભારતે ટ્રમ્પના બેવડા ધોરણો સામે નહીં ઝુંકીને મૂકાબલો કરવાનો ઈરાદો વ્યક્ત કરી દેતાં બન્ને દેશો વચ્ચે ઘર્ષણ વધવાના અને આ મોટા સંકટમાં પરિવર્તિત થવાના એંધાણે આજે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.
અલબત આજે ફંડોએ ઘટાડે ફયુચર્સમાં વેચાણો કાપીને કેશમાં ખરીદી કરી હતી. સપ્તાહના બીજા કારોબારી દિવસે સેન્ટીમેન્ટ ખરાબ બની જતાં સ્થાનિક હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો પણ મોટાપાયે વેચવાલ બન્યા હતા. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ રેપો રેટ સહિત યથાવત રાખતાં અને નિકાસ મોરચે અનિશ્ચિતતા વધતાં ઉદ્યોગોના લોન ડિફોલ્ટરનું જોખમ વધવાની શકયતાએ બેંકોની એનપીએ વધવાની શકયતાએ ફંડો હળવા થયા હતા.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, રશિયા તથા અમેરિકાના પ્રમુખોની ૧૫ ઓગસ્ટે મળી રહેલી બેઠક પૂર્વે મંગળવારે અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયો મજબૂત બન્યો હતો, જયારે સપ્ટેમ્બરમાં સાઉદી અરેબિયા ખાતેથી ચીનને ક્રુડ તેલનો પૂરવઠો ઘટવાના અહેવાલે ક્રુડ તેલમાં ભાવ ઊંચકાયા હતા.
સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૨૫% વધીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૦૪% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર ફાઈનાન્શિયલ સર્વિસીસ, બેન્કેકસ, કેપિટલ ગુડ્સ, રિયલ્ટી, ટેલિકોમ્યુનિકેશન, એફએમસીજી, ઇન્ડસ્ટ્રીયલ્સ અને સર્વિસીસ સેક્ટરલ ઘટ્યા હતા, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૨૦૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૯૭૩ અને વધનારની સંખ્યા ૨૦૬૮ રહી હતી, ૧૬૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૦ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મારુતિ સુઝુકી ૨.૦૬%, ટેક મહિન્દ્રા ૧.૯૦%, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૧.૬૪%, એનટીપીસી લિ. ૧.૧૬% ટાટા સ્ટીલ ૦.૮૫% અને ટાઈટન લિ. ૦.૫૯% વધ્યા હતા, જ્યારે બજાજ ફાઈનાન્સ ૨.૮૭%, ટ્રેન્ટ લિ. ૧.૩૬%, હિન્દુસ્તાન યુનીલીવર ૧.૩૫%, એચડીએફસી બેન્ક ૧.૩૧%, એટરનલ લિ. ૧.૧૦%, આઈસીઆઈસીઆઈ બેન્ક ૧.૦૨% અને બજાજ ફિનસર્વ ૦.૯૬% ઘટ્યા હતા.
ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઘટાડા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૦.૮૩ લાખ કરોડ ઘટીને રૂ.૪૪૩.૨૭ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૧૧ કંપનીઓ વધી અને ૧૯ કંપનીઓ ઘટી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર કુલ ૫૦% ડયુટી લાદવાની જાહેરાત દેશના કુલ સ્થાનિક ઉત્પાદન (જીડીપી) માટે આંચકો હોઈ શકે છે. અર્થશાસ્ત્રીઓ માને છે કે આનાથી ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપી વૃદ્ધિ દરમાં ૩૫ થી ૬૦ બેસિસ પોઇન્ટનો ઘટાડો થઈ શકે છે. સ્થાનિક વપરાશમાં વધારો ચોક્કસપણે અર્થતંત્રને ટેકો આપશે પરંતુ આ પગલું હજુ આંચકો લાવશે. એચડીએફસી બેંકના મુખ્ય અર્થશાસ્ત્રીએ કહ્યું હતું કે જો ૫૦% ડયુટી લાદવામાં આવે છે, તો ૬.૩% વૃદ્ધિનો અમારો મૂળભૂત અંદાજમાં ૪૦ થી ૬૦ બેસિસ પોઇન્ટનો ઘટાડો થઈ શકે છે. ટ્રમ્પ ડયુટીની અસર ચીન પર લાદવામાં આવેલી ડયુટી, રૂપિયાના અવમૂલ્યનની ગતિ અને સ્થાનિક અર્થતંત્રમાં સુધારો સહિત અનેક પાસાઓ પર આધારિત રહેશે.
મોર્ગન સ્ટેનલી રિસર્ચના વિશ્લેષણમાં કહેવામાં આવ્યું છે કે જો તમામ માલની નિકાસ પર ૫૦% ડયુટી લાદવામાં આવે છે, તો તેની વૃદ્ધિ પર સીધી અસર ૬૦ બેસિસ પોઇન્ટ થશે. આગામી ૧૨ મહિનામાં પરોક્ષ અસર પણ લગભગ સમાન રહેશે. નાણાકીય વર્ષ ૨૦૨૫ માં, ભારતની અમેરિકામાં કુલ નિકાસ ૮૬.૫ બિલિયન ડોલર હતી, જે જીડીપીના ૨.૨% છે. ઘણા અર્થશાસ્ત્રીઓને આશા છે કે ટ્રમ્પની ટેરિફ જાહેરાત ટકશે નહીં અને ૨૧ દિવસમાં બંને દેશો વચ્ચે કરાર થઈ શકે છે. પરંતુ આજની પરિસ્થિતિમાં, જીડીપી વૃદ્ધિ ધીમી રહેશે.
જો વર્તમાન ૫૦% વેપાર ડયુટી યથાવત રહે છે, તો નાણાકીય વર્ષ ૨૦૨૬ માટે ચાલુ ખાતાની ખાધ જીડીપીના ૦.૮ ટકા હોવાનો અંદાજ પણ બગડી શકે છે. પછી તે ૫૦ બેસિસ પોઇન્ટ સુધી વધી શકે છે. પરંતુ ચલણની દ્રષ્ટિએ, મૂડી પ્રવાહ સૌથી મહત્વપૂર્ણ રહેશે. જો કોઈ કરાર ન થાય અને નિકાસકારો માટે કોઈ પેકેજ ન મળે, તો ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપી વૃદ્ધિ દર ૪૦ બેસિસ પોઇન્ટ ઘટશે. ગોલ્ડમેન સક્સના એક રિપોર્ટમાં અંદાજ લગાવવામાં આવ્યો છે કે જો નવી વધારાની ડયુટી લાગુ કરવામાં આવે છે, તો આ કેલેન્ડર વર્ષ માટે ભારતનો જીડીપી વૃદ્ધિ દર ૦.૬% સુધી ઘટી શકે છે.
તા.૧૩.૦૮.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…
- તા.૧૨.૦૮.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૪૫૫૪ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૪૩૭૩ પોઈન્ટના પ્રથમ અને ૨૪૩૦૩ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે ૨૪૬૦૬ પોઈન્ટ થી ૨૪૬૭૬ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૪૩૦૩ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!
હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ
- હેવેલ્સ ઇન્ડિયા ( ૧૪૬૧ ) :- કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનીક્સ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૪૩૪ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૪૧૭ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૪૭૪ થી રૂ.૧૪૮૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૪૯૪ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૧૪૨૭ ) :- A /T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ.૧૪૦૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૩૯૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૪૪૪ થી રૂ.૧૪૫૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
- અદાણી પોર્ટસ ( ૧૩૩૫ ) :- રૂ.૧૩૦૩ નો પ્રથમ તેમજ રૂ.૧૨૮૮ બીજા સપોર્ટથી પોર્ટ એન્ડ પોર્ટ સર્વિસ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૩૪૭ થી રૂ.૧૩૬૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
- ભારત ફોર્જ ( ૧૧૫૮ ) :- ઓટો કમ્પોનન્ટ્સ અને ઇક્વિપ્મેંટ સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૭૩ થી રૂ.૧૧૮૦ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૧૧૭ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!!
- ઓરબિન્દો ફાર્મા ( ૧૦૬૦ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફાર્મા સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૧૦૧૭ નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૧૦૭૭ થી ૧૦૯૦ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- સન ફાર્મા ( ૧૬૨૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૬૬૪ આસપાસ સપોર્ટથી રૂ.૧૫૯૭ થી રૂ.૧૫૮૮ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૬૬૦ નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!
- ટેક મહિન્દ્રા ( ૧૫૧૨ ) :- રૂ.૧૫૩૭ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૫૪૪ ના સપોર્ટ તબક્કાવાર રૂ.૧૪૯૪ થી રૂ.૧૪૮૮ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૫૫૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
- એચસીએલ ટેકનોલોજી ( ૧૪૯૮ ) :- કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૫૩૦ આસપાસનાં સપોર્ટથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૪૭૪ થી રૂ.૧૪૬૦ ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- ઈન્ફોસીસ લિ. ( ૧૪૨૯ ) :- કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૪૪૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૩૯૭ થી રૂ.૧૩૮૮ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૪૬૦ નો સપોર્ટ ધ્યાને લેવો…!!!
- ઝાયડસ લાઈફસાયન્સીસ ( ૯૫૯ ) :- રૂ.૯૮૮ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૯૯૪ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૯૩૦ થી રૂ.૯૧૯ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૦૦૮ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
By Ravi Bhatt – SEBI Registered Research Analyst – INH000012591 | Disclaimer – https://www.capsavaj.com/policies