રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૩.૦૯.૨૦૨૫ ના રોજ..
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૦૧૫૭ સામે ૮૦૨૯૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૦૦૦૪ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૬૬૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૦૯ પોઈન્ટના ઉછાળા સાથે ૮૦૫૬૭ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૬૯૧ સામે ૨૪૬૮૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૬૩૮ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૯૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૨૧ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૮૧૩ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
ભારત, ચીન અને રશિયાની એકજૂટતા અને સહયોગે ટ્રમ્પના ટેરિફ બોમ્બ વચ્ચે સકારાત્મક સંકેત તેમજ વૈશ્વિક પડકારો વચ્ચે વિકસી રહેલા ભારતીય અર્થતંત્રના આંકડાઓના કારણે આજે સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું. વધુમાં ચીનમાં યોજાયેલી એસસીઓ બેઠકના સકારાત્મક સંકેતોએ પણ બજારને ટેકો આપ્યો હતો. કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રથમ ત્રિમાસિકના જીડીપી આંકડાએ શેરબજારની બાજી પલટી છે. ભારતનો પ્રથમ ત્રિમાસિક જીડીપી ગ્રોથ અપેક્ષા કરતાં વધુ ૭.૮% નોંધાયો છે. જે મજબૂત આર્થિક ગતિવિધિનો સંકેત આપે છે. આ આંકડાએ રોકાણકારોના વિશ્વાસમાં વધારો કર્યો છે.
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની વિશ્વ પર ટેરિફના નામે જોહુકમીને લઈ વિશ્વના અનેક દેશો નારાજ હોઈ અમેરિકા વિરૂધ્ધ ભારત, ચાઈના અને રશીયા એક મંચ પર આવી જતાં વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતા વચ્ચે ભારતીય બજારોમાં આજે પ્રમુખ પરિબળ સાથે જીડીપી વૃદ્ધિના પ્રોત્સાહક આંકડા અને જીએસટીની આવકમાં ૬.૫% નો વધારો થવાના આકર્ષણે ફરી શેરોમાં ઓલ રાઉન્ડ તેજી થઈ હતી. જીએસટી કાઉન્સિલની મીટિંગમાં માળખાના સરળીકરણ સાથે અનેક ચીજો પરના જીએસટી દરમાં ઘટાડો અને જીડીપી વૃદ્ધિના પ્રોત્સાહક આંકડા સાથે મેક ઈન ઈન્ડિયાને ભારત સરકારના પ્રોત્સાહને લોકલ ફંડોએ શેરોમાં મોટી તેજી કરી હતી.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડો થવાની વધી રહેલી શકયતાને પગલે ડોલર ઈન્ડેકસમાં રેન્જ બાઉન્ડ સ્થિતિ સાથે બુધવારે ભારતીય રૂપિયો અમેરિકન ડોલર સામે મજબૂત બન્યો, જોકે ભારત-યુએસ વેપાર કરારની અનિશ્ચિતતાને કારણે રૂપિયામાં વધુ વધારો મર્યાદિત બન્યો હતો, જયારે ઓપેક તથા સભ્ય દેશોની વર્તમાન સપ્તાહમાં મળનારી બેઠક પૂર્વે તથા રશિયા પર અમેરિકાના વધુ પ્રતિબંધોની શકયતાએ ક્રુડઓઈલના ભાવમાં મક્કમતા જોવા મળી હતી.
સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૬૩% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૯૦% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ફોકસ્ડ આઈટી, આઈટી, ટેક, પાવર અને યુટિલિટીઝ સેક્ટરમાં ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૨૭૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૪૮૪ અને વધનારની સંખ્યા ૨૬૨૪ રહી હતી, ૧૬૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે ટાટા સ્ટીલ ૫.૦૯%, ટાઈટન કંપની લી. ૧.૭૩%, મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ૧.૬૨%, આઈટીસી લી. ૧.૧૯%, ઈટર્નલ ૧.૧૬%, ટાટા મોટર્સ ૧.૧૫%, ટ્રેન્ટ લી. ૧.૧૪%, સ્ટેટ બેન્ક ૧.૦૨% અને એચડીએફસી બેન્ક ૧.૦૦% વધ્યા હતા, જ્યારે ઈન્ફોસિસ ટેકનોલોજી ૧.૧૯%, એનટીપીસી લી. ૦.૫૫%, હિંદુસ્તાન યુનિલિવર ૦.૪૯%, ટાટા કન્સલ્ટન્સી ૦.૪૫%, અદાણી પોર્ટ્સ ૦.૩૬%, ભારતી એરટેલ ૦.૨૭%, પાવર ગ્રીડ કોર્પોરેશન ૦.૨૩%, ટેક મહિન્દ્ર ૦.૧૩% અને એક્સિસ બેન્ક ૦.૧૨% ઘટ્યા હતા.
ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઉછાળા સાથે મિડકેપ, સ્મોલકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૨.૯૧ લાખ કરોડ વધીને ૪૫૨.૮૬ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૨૨ કંપનીઓ વધી અને ૮ કંપનીઓ ઘટી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, ભારતીય શેરબજારમાં મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોની વધતી ભાગીદારી ભવિષ્ય માટે મજબૂત સંકેત આપે છે. ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં સતત વધી રહેલી એયુએમ, વધતા એસઆઈપી પ્રવાહ અને લાંબા ગાળાના રોકાણ દ્રષ્ટિકોણને અપનાવનારા રોકાણકારો બજાર માટે સકારાત્મક આધાર પૂરું પાડે છે. રોકાણકારોમાં ધીરજ અને વિશ્વાસ વધવાથી બજારની અસ્થિરતા સામે રક્ષણ મળે છે અને સ્થાનિક મૂડી પ્રવાહથી ભારતીય શેરબજારને વૈશ્વિક પડકારો વચ્ચે સ્થિરતા મળે છે. અગાઉ વિદેશી રોકાણકારો પર આધારિત રહેલો બજાર આજે સ્થાનિક મૂડીપ્રવાહના કારણે વધુ સ્થિર બન્યો છે. ખાસ કરીને એસઆઈપી મારફતે થતા નિયમિત રોકાણોએ રોકાણકારોને ટૂંકા ગાળાના ઉતાર-ચઢાવથી દૂર રાખીને લાંબા ગાળાના ધ્યેય પર કેન્દ્રિત રાખ્યા છે.
વૈશ્વિક સ્તરે પડકારો અને અનિશ્ચિતતાઓ હોવા છતાં, સ્થાનિક મૂડીપ્રવાહ બજારમાં મજબૂતાઈ લાવે છે. આગામી સમયમાં પણ આ પ્રવાહ ચાલુ રહે તેવી શક્યતા છે, કારણ કે રોકાણકારો ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સના ઉચ્ચ વળતર, રૂપિયાના સરેરાશ ખર્ચના ફાયદા અને ભારતની આર્થિક વૃદ્ધિ ક્ષમતાને ધ્યાનમાં રાખીને વધુ રોકાણ કરી રહ્યા છે. ખાસ કરીને ક્ષેત્રીય અને થીમેટિક ફંડ્સમાં ઉછાળો સૂચવે છે કે રોકાણકારો નવી થીમ્સ અને અવસરોએ પણ નજર રાખી રહ્યા છે. તેથી, સ્થાનિક રોકાણકારોના મજબૂત વિશ્વાસ અને સતત વધતા ઇનફ્લો ભારતીય શેરબજારની ભાવિ દિશાને લાંબા ગાળે ઊર્જાવાન અને સકારાત્મક રાખશે. ભવિષ્યમાં, મ્યુચ્યુઅલ ફંડ્સના સતત વધી રહેલા ઇનફ્લો અને રોકાણકારોના વધતા વિશ્વાસથી ભારતીય શેરબજારમાં ઊંડાણ અને વ્યાપકતા બંને વધે તેવી શક્યતા છે.
તા.૦૪.૦૯.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…
- તા.૦૩.૦૯.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૪૮૧૩ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૪૭૩૭ પોઈન્ટના પ્રથમ અને ૨૪૬૭૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે ૨૪૮૭૮ પોઈન્ટ થી ૨૪૯૦૯ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૪૬૭૬ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!
હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ
- રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( ૧૩૭૭ ) :- રિફાઇનરી એન્ડ માર્કેટિંગ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૩૪૪ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૩૩૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૩૯૪ થી રૂ.૧૪૦૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૪૦૮ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- ભારત ફોર્જ ( ૧૧૩૮ ) :- A /T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ.૧૧૦૮ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૦૮૮ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૧૫૩ થી રૂ.૧૧૬૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
- એક્સીસ બેન્ક ( ૧૦૫૮ ) :- રૂ.૧૦૩૪ નો પ્રથમ તેમજ રૂ.૧૦૧૭ બીજા સપોર્ટથી પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૦૭૩ થી રૂ.૧૦૮૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
- ઝાયડસ લાઈફસાયન્સીસ ( ૧૦૧૬ ) :- ફાર્મા સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૦૩૪ થી રૂ.૧૦૪૦ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ.૯૮૦ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!!
- અદાણી ગ્રીન ( ૯૪૨ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા પાવર જનરેશન સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૯૧૬ નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૯૫૪ થી ૯૬૦ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- ઈન્ફોસીસ લિ. ( ૧૪૮૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૫૦૩ આસપાસ સપોર્ટથી રૂ.૧૪૬૪ થી રૂ.૧૪૪૦ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૫૨૦ નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!
- એચસીએલ ટેકનોલોજી ( ૧૪૭૦ ) :- રૂ.૧૪૯૪ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૫૦૮ ના સપોર્ટ તબક્કાવાર રૂ.૧૪૫૫ થી રૂ.૧૪૪૦ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૫૨૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
- આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૧૪૦૪ ) :- પ્રાઇવેટ બેન્ક સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૪૪૦ આસપાસનાં સપોર્ટથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૩૮૮ થી રૂ.૧૩૭૪ ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- ગોદરેજ કન્ઝ્યુમર ( ૧૨૭૬ ) :- પર્સનલ કેર સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૩૦૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૨૬૦ થી રૂ.૧૨૪૪ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૩૨૦ નો સપોર્ટ ધ્યાને લેવો…!!!
- એચડીએફસી બેન્ક ( ૯૫૬ ) :- રૂ.૯૭૭ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૯૮૪ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૯૩૩ થી રૂ.૯૧૯ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૯૯૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
By Ravi Bhatt – SEBI Registered Research Analyst – INH000012591 | Disclaimer – https://www.capsavaj.com/policies