રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૪.૦૯.૨૦૨૫ ના રોજ..
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૦૫૬૭ સામે ૮૧૪૫૬ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૦૬૦૮ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૮૪૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૫૦ પોઈન્ટના ઉછાળા સાથે ૮૦૭૧૮ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૮૧૩ સામે ૨૪૯૨૬ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૮૦૯ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૩૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૪ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૮૨૭ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
જીએસટી કાઉન્સિલની મીટિંગમાં જીએસટી માળખાના સરળીકરણ, સ્લેબમાં ઘટાડા અને જીએસટી દરોમાં પણ મોટી રાહતની અસરે આજે સપ્તાહના ચોથા કારોબારી દિવસે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું. ચોમાસું દેશભરમાં સફળ રહેતાં અને મેક ઈન ઈન્ડિયાને ભારત સરકાર દ્વારા પ્રોત્સાહન આપી અનેક રાહતો – પ્રોત્સાહનો આગામી દિવસોમાં ઉદ્યોગો માટે જાહેર થવાની અપેક્ષા અને ચાઈના, રશિયા સાથે ભારતના મજબૂત બનતાં સંબંધો સામે અમેરિકામાં ટ્રમ્પની ટેરિફ તુમાખીને ભારત – રશિયા-ચાઈનાની ત્રિપુટીએ વિચારતા કરી દેતાં ઈન્ડિયા પોઝિટીવને લઈ સેન્ટીમેન્ટ ઝડપી સુધરતું જોવાયું હતું.
ભારત સરકાર શરણાગતિને બદલે અમેરિકા જેવા દેશોને મજબૂત ટક્કર આપવાના કરેલા નિર્ધાર અને નેશન ફર્સ્ટ – ખેડૂતો, પશુપાલકો, સ્વદેશી, મેક ઈન ઈન્ડિયા માટે દેશવાસીઓને હાકલ કરી ભારતની ઔદ્યોગિક – ટ્રેડ નીતિને નવો ઓપ આપી રહી છે, જે આવકાર્ય અને સરાહનીય પહેલ છે. હાલ તુરત અમેરિકાના ૫૦% ટેરિફ અને અનિશ્ચિતતાને લઈ કોર્પોરેટ ઈન્ડિયાની કામગીરી નબળી પડવાના અંદાજોએ વિદેશી સંસ્થાકીય રોકાણકારો સતત ભારતીય શેરબજારમાંથી ઉચાળા ભરી રહ્યા છે. પરંતુ સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની સતત ખરીદીના આંકડા જોતાં અત્યારે અનિશ્ચિતતાની પરિસ્થિતિમાં પણ લોકલ ફંડો સારા શેરો ઘટાડે ખરીદવાની તક ઝડપી રહ્યા છે.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, વૈશ્વિક સ્તરે સતત અનિશ્ચિતતા અને ફેડરલ રિઝર્વ વ્યાજ દરમાં ઘટાડો કરશે તેવા રોકાણકારોના વધી રહેલા વિશ્વાસ વચ્ચે ડોલર ઈન્ડેક્સની રેન્જબાઉન્ડ સ્થિતિએ ગુરુવારે ભારતીય રૂપિયો અમેરિકન ડોલર સામે નબળો પડ્યો હતો, જયારે ઓપેક તથા સભ્ય દેશોની રવિવારે મળનારી બેઠકમાં ક્રુડઓઈલના ઉત્પાદનમાં વધુ વધારો કરવા પર ઓપેક ભાર આપી રહ્યુ હોવાના અહેવાલે ક્રુડઓઈલના ભાવમાં ઘટાડો જોવાયો હતો.
સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૬૦% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૬૦% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ઓટો, એફએમસીજી, કંઝ્યુમર ડિસ્ક્રેશનરી, ફાઈનાન્સિયલ સર્વિસીસ, બેન્કેક્સ અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરમાં ઉછાળો જોવા મળ્યો હતો, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૨૯૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૩૨૫ અને વધનારની સંખ્યા ૧૮૦૯ રહી હતી, ૧૫૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ૫.૯૬%, બજાજ ફાઈનાન્સ ૪.૨૮%, બજાજ ફિનસર્વ ૧.૯૮%, ટ્રેન્ટ ૧.૩૫%, આઈટીસી લી. ૧.૦૬% અને એચડીએફસી બેન્ક ૦.૭૮% વધ્યા હતા, જ્યારે મારુતિ સુઝુકી ૧.૭૮%, બીઈએલ ૧.૬૧%, એચસીએલ ટેકનોલોજી ૧.૫૭%, એનટીપીસી ૧.૨૪%, પાવગ ગ્રીડ કોર્પોરેશન ૧.૧૯%, ઈન્ફોસિસ લી. ૧.૦૮% અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૦.૯૦% ઘટ્યા હતા.
ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઉછાળા સામે મિડકેપ, સ્મોલકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૧.૪૮ લાખ કરોડ ઘટીને ૪૫૧.૨૮ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૧૧ કંપનીઓ વધી અને ૧૯ કંપનીઓ ઘટી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, ભારતીય અર્થતંત્રના ઉત્પાદન અને સેવા ક્ષેત્ર બંનેમાં જોવા મળેલા મજબૂત આંકડાઓ શેરબજાર માટે સકારાત્મક સંકેત આપે છે. ઓગસ્ટમાં સેવા ક્ષેત્રનો પીએમઆઈ ૬૨.૯૦ સુધી પહોંચીને ૧૫ વર્ષની ટોચે રહ્યો છે, જ્યારે ઉત્પાદન ક્ષેત્રનો પીએમઆઈ પણ ૧૭ વર્ષની ઊંચાઈએ રહ્યો હતો. આ દર્શાવે છે કે સ્થાનિક તથા આંતરરાષ્ટ્રીય સ્તરે માંગ મજબૂત છે, જેના કારણે કંપનીઓના આવક અને નફાકારકતામાં વધારો થવાની શક્યતા છે. નિકાસ ઓર્ડરોમાં ૧૪ મહિનાની ટોચે પહોંચેલો વધારો વિદેશી બજારોમાંથી મજબૂત સમર્થનનું સંકેત આપે છે. આવું મેક્રો ડેટા રોકાણકારોના મનોબળને મજબૂત બનાવે છે, જેના પરિણામે બજારમાં તેજી જાળવાય તેવી સંભાવના છે.
બીજી તરફ, અમેરિકાના ટેરિફના પગલે સપ્ટેમ્બર ત્રિમાસિક વિકાસ દર પર દબાણ રહેવાની ધારણા હોવા છતાં, તાજેતરના પીએમઆઈ આંકડા એ ચિંતાઓને નબળા પાડે છે. માંગમાં સતત વધારો, નવા બિઝનેસ ઓર્ડરોની તેજી અને સેવા ક્ષેત્રની વૃદ્ધિ ભારતીય શેરબજારમાં મધ્યમ ગાળે મજબૂતાઈ જાળવવામાં મદદરૂપ બની શકે છે. આમ, આર્થિક પ્રવૃત્તિમાં જોવા મળેલી વૃદ્ધિ ભારતીય શેરબજાર માટે નજીકના ભવિષ્યમાં તેજી તરફી દિશા દર્શાવે છે.
તા.૦૫.૦૯.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…
- તા.૦૪.૦૯.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૪૮૨૭ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૪૭૩૭ પોઈન્ટના પ્રથમ અને ૨૪૬૭૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે ૨૪૮૮૦ પોઈન્ટ થી ૨૪૯૦૯ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૫૦૦૮ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!
હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ
- ટેક મહિન્દ્રા ( ૧૫૦૩ ) :- કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૪૮૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૪૬૪ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૫૨૨ થી રૂ.૧૫૩૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૫૩૭ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- ઈન્ફોસીસ લિ. ( ૧૪૬૭ ) :- A /T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ.૧૪૩૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૪૨૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૪૮૦ થી રૂ.૧૪૯૪ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
- અદાણી પોર્ટ્સ ( ૧૩૩૫ ) :- રૂ.૧૩૦૮ નો પ્રથમ તેમજ રૂ.૧૨૯૦ બીજા સપોર્ટથી પોર્ટ એન્ડ પોર્ટ સર્વિસ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૩૫૩ થી રૂ.૧૩૬૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
- એક્સીસ બેન્ક ( ૧૦૫૪ ) :- પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૦૬૭ થી રૂ.૧૦૭૭ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૦૦૮ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!!
- ઓરબિન્દો ફાર્મા ( ૧૦૪૦ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફાર્મા સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૧૦૦૮ નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૧૦૫૪ થી રૂ.૧૦૬૦ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- એસબીઆઈ લાઈફ ( ૧૭૯૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ લાઈફ ઈન્સ્યુરન્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૮૧૮ આસપાસ સપોર્ટથી રૂ.૧૭૮૦ થી રૂ.૧૭૬૪ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૮૩૦ નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!
- સિપ્લા લિ. ( ૧૫૮૬ ) :- રૂ.૧૬૦૬ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૬૧૩ ના સપોર્ટ તબક્કાવાર રૂ.૧૫૭૦ થી રૂ.૧૫૪૪ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૬૨૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
- રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( ૧૩૬૫ ) :- રિફાઇનરી એન્ડ માર્કેટિંગ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૪૦૦ આસપાસનાં સપોર્ટથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૩૪૪ થી રૂ.૧૩૩૦ ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- ગોદરેજ કન્ઝ્યુમર ( ૧૨૪૬ ) :- પર્સનલ કેર સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૨૭૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૨૩૦ થી રૂ.૧૨૧૭ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૮૦ નો સપોર્ટ ધ્યાને લેવો…!!!
- ભારત ફોર્જ ( ૧૧૨૯ ) :- રૂ.૧૧૫૩ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૧૧૬૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૧૦૩ થી રૂ.૧૦૮૮ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૧૭૪ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
By Ravi Bhatt – SEBI Registered Research Analyst – INH000012591 | Disclaimer – https://www.capsavaj.com/policies