પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વગુરુ બનવા તરફ આગળ વધી રહ્યું છે
Bhavnagar,તા.૧૪
ભાવનગર જિલ્લામાં “રાષ્ટ્રીય વયોશ્રી યોજના” હેઠળ મૂલ્યાંકન પ્રક્રિયાનો સર ટી. હોસ્પિટલ ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાએ પ્રારંભ કરાવ્યા બાદ, જિલ્લાના વિવિધ તાલુકા મથકો પર આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. આ ક્રમમાં ૧૨મા દિવસે ઘોઘા તાલુકામાં વયોશ્રી યોજના મૂલ્યાંકન પ્રક્રિયા અવસરે કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે તેમની સાથે જિલ્લા વિકાસ અધિકારી, સંગઠનના હોદ્દેદારો, સરપંચ સહિતના લોકો પણ જોડાયા હતા. આ ઉપરાંત તળાજા સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં અદ્યતન શિક્ષણ સદનનું લોકાર્પણ પણ કરાયું હતું.
ભારત સરકાર દેશના જરૂરિયાતમંદ લાભાર્થીઓ, વયોવૃદ્ધો અને દિવ્યાંગોની મદદ માટે તત્પર છે અને વિવિધ યોજનાઓ થકી તેમને મદદ પહોંચાડી રહી છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા વયોવૃદ્ધો અને દિવ્યાંગો માટે એએસઆઇએમસીઓના સહયોગથી ૧૫ જેટલા અલગ અલગ સાધનોની સહાય કરવામાં આવશે. આ યોજના અંતર્ગત ૬૦ વર્ષથી વધુ ઉંમરના લોકો કે જેને ચાલવા માટે લાકડી, વ્હીલ ચેર, વોકર, કાનનું મશીન, ઘૂંટણ અને કમરના બેલ્ટ, કૃત્રિમ દાંત સહિતના ૧૫ જેટલા સાધનો મૂલ્યાંકન બાદ આપવામાં આવનાર છે. જેની જરૂરી ડોક્યુમેન્ટ્સ સાથેની નોંધણી પ્રક્રિયા ઘોઘા સી.એચ.સી. ખાતે આજથી શરૂ કરવામાં આવી છે. સાથે સાથે જરૂરિયાતમંદ વૃદ્ધોને પેન્શન અને આયુષ્યમાન કાર્ડ અંગેની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. જ્યારે મૂલ્યાંકન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નિયમોનુસાર લાભાર્થીઓને સાધનોની ફાળવણી કરવામાં આવશે.
૧૨ દિવસમાં અત્યાર સુધીમાં જિલ્લાભરમાં ૬,૦૯૯ લાભાર્થીઓ, જેમાં ૩,૧૫૨ પુરુષ અને ૨,૯૪૭ મહિલાઓનો સમાવેશ થાય છે, તેમને રૂ. ૫,૮૨,૯૭,૪૦૧ની કિંમતના અલગ અલગ જરૂરિયાત મુજબના સાધનો આગામી સમયમાં આપવામાં આવશે.
આ ઉપરાંત, તળાજા સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા (વિજ્ઞાન પ્રવાહ) ખાતે નવનિર્મિત અદ્યતન શિક્ષણ સદનનું લોકાર્પણ અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નીમુબેન બાંભણીયાના શુભ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીએ માત્ર ૧૦ મહિનાના ટૂંકા ગાળામાં આધુનિક સુવિધાયુક્ત ભવન તૈયાર કરવા બદલ શાળાના આચાર્ય ડો. પ્રકાશભાઈ રાઠોડને અભિનંદન પાઠવ્યા હતા.
નીમુબેન બાંભણીયાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વગુરુ બનવા તરફ આગળ વધી રહ્યું છે, જેમાં શિક્ષણને અત્યંત મહત્વ આપવામાં આવી રહ્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે સરકારી શાળાઓમાં શિક્ષણનું સ્તર ખૂબ ઊંચું આવ્યું છે. વધુમાં, તેમણે દીકરીઓના શિક્ષણ પર ભાર મૂકતા કહ્યું કે દીકરીઓ જ્યારે ભણે છે ત્યારે સમગ્ર પરિવારને આગળ લઈ જાય છે. દરેક ક્ષેત્રે દીકરીઓનું વિશિષ્ટ પ્રદાન રહ્યું છે, અને નવા પરિવર્તન સાથે દીકરીઓ શિક્ષિત થઈ રહી છે. તેમણે ઉમેર્યું કે દીકરીઓ કોલેજ સુધી ભણી શકે તે માટે અનેક સરકારી યોજનાઓ કાર્યરત છે.
સરકાર દ્વારા ૨.૫૬ કરોડના ખર્ચે તૈયાર થયેલ આ અદ્યતન શાળા ભવનમાં અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેમાં શાળાની ભૌતિક સુવિધાની વાત કરીએ તો શાળામાં ત્રણ ક્લાસરૂમ, રસાયણ વિજ્ઞાનની પ્રયોગશાળા, ભૌતિક વિજ્ઞાનની પ્રયોગશાળા, જીવ વિજ્ઞાનની પ્રયોગશાળા તથા વિદ્યાર્થીઓને વાંચન માટે પુસ્તકાલય, હાલના ટેકનોલોજીના સમયમાં તળાજાના આ વિદ્યાર્થીઓ પણ પાછળ રહી ન જાય તે માટે ૧૫ અદ્યતન કોમ્પ્યુટર ધરાવતી કોમ્પ્યુટર લેબ બનાવવામાં આવી છે. વર્ગખંડમાં સ્માર્ટ બોર્ડ લગાડવામાં આવ્યા છે. એક વિશાળ કહી શકાય તેવો પ્રાર્થનાખંડ છે તથા શાળાના બંને માળે વિદ્યાર્થીઓ માટે પાણી પીવા માટે ર્ઇં અને વોટર કુલર મૂકવામાં આવ્યા છે તથા ભાઈઓ અને બહેનો માટેના વોશરૂમ બનાવવામાં આવ્યા છે. શાળા તળાજા શહેરની મધ્યમાં ૧૦,૦૦૦ ચોરસ મીટર જેટલી વિશાળ જગ્યામાં આવેલી છે. અદ્યતન ભવન ઉપરાંત શાળામાં વિશાળ રમતનું મેદાન પણ બનાવવામાં આવ્યું છે.
શાળાના આચાર્ય ડો. પ્રકાશભાઈ રાઠોડને સપ્ટેમ્બર ૨૦૨૨માં સરકાર દ્વારા શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. હાલમાં આ શાળાના ત્રણ વિદ્યાર્થીઓ દ્ગઈઈ્ પરીક્ષામાં સારો સ્કોર કરીને એમબીબીએસમાં અભ્યાસ કરી રહ્યા છે. આ ઉપરાંત, શાળાના અનેક ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હાલમાં એન્જિનિયર, પોલીસ, ફોરેસ્ટ અને આર્મી જેવા વિવિધ ક્ષેત્રોમાં ફરજ બજાવી રહ્યા છે.