Rajkot. તા.26
રાજકોટમાં ભક્તિનગર સ્ટેસન રોડ પર લેપટોપની દુકાનમાંથી નવ લેપટોપની ચોરી થયાનો બનાવ સામે આવતા પોલીસ દોડતી થઈ હતી. જે મામલે ગણતરીની કલાકોમાં એલસીબી ઝોન -2 ની ટીમે દુકાનમાં કામ કરતાં કર્મચારીને જ પકડી પાડી તમામ ચોરી કરેલ લેપટોપ કબ્જે કર્યા હતા. છેલ્લા 10 દિવસમાં દરરોજ લેપટોપની ચોરી કરી લોધાવાડમાં વેપારીને રૂ.30 હજારમાં વેંચી પણ દિધા હતા. ટ્રેડિંગમાં રૂપીયા હારી જતાં માલીક સાથે ગદારી કરી હોવાનું સામે આવ્યું હતું.
બનાવ અંગે રેસકોર્ષ રિંગરોડ પર મારૂતિનગરમાં રહેતાં વૈભવભાઈ હિમાંશુભાઈ ભટ્ટ (ઉ.વ.44) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે સ્મીત જગદીશ વ્યાસ (રહે. જૂનાગઢ) નું નામ આપતાં એ.ડિવિઝન પોલીસે ચોરીની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓને ભક્તિનગર સ્ટેશન રોડ ઉપર રવીન ચેમ્બરમાં કાઇઝન સિસ્ટમ સોલ્યુશન નામની લેપટોપની દુકાન આવેલી છે અને લેપટોપના લે-વેચનું કામ કરી પરીવારનું ગુજરાન ચલાવે છે.
તેમની દુકાનમાં સાતેક કર્મચારીઓ કામ કરે છે. ગઇ તા.23 ના સાંજના સાડા છ વાગ્યાની આસપાસ દુકાનમાં એક ગ્રાહકનો આસુસ કંપનીના લેપટોપનો ઓર્ડર આવેલ હોય જેથ કર્મચારી રણજીતભાઈ વિશ્વકર્મા દુકાનમાં જ પાછળના ભાગે રહેલ સ્ટોર રૂમમાં ઓર્ડર આવેલ લેપટોપ લેવા ગયેલ હતા, તો ઓર્ડર આવેલ લેપટોપ ચેક કરતા તે લેપટોપનું માત્ર ખાલી બોક્સ જોવા મળેલ અને તેમાં રહેલ લેપટોપ મળી આવેલ ના હતું. જેથી તેઓ અને કર્મચારીઓએ સ્ટોરરૂમમાં રાખેલ લેપટોપના બીજા બોક્સ પણ ચેક કરતા સ્ટોરરૂમમાં રાખેલ લેપટોપ બોક્સમાં જોવા મળેલ નહીં અને લેપટોપના ખાલી બોક્સ જ હાજર હતા.
તેઓની દુકાનના સ્ટોર રૂમમાથી નવ લેપટોપ રૂ.7.16 લાખની કિંમતના નવ લેપટોપ જોવા મળેલ નહીં. આ લેપટોપના માત્ર ખાલી બોક્સ જ હાજર હતા. તેઓએ તાત્કાલિક દુકાનમાં રહેલ સી.સી.ટી.વી ફૂટેજ ચેક કરેલ તો આ દુકાનમાં થોડા દિવસ પહેલા નોકરી પર રાખેલ સ્મિત વ્યાસ નામનો કર્મચારી જે તા.23 ના 6.10 વાગ્યાની આસપાસ ખાલી ભેગ લઈને દુકાનમાં આવતા જોવામાં આવેલ અને તે દુકાનમાંથી સવારના 10/30 વાગ્યાની આસપાસ પોતાની પાસે રહેલ બેગ લઈને નીકળી ગયેલ અને તે બેગમાં કઈક ભરેલું હોય તે રીતેનું ભારે બેગ હોય તેવું જોવામાં આવતું હતું.
આ સ્મિત વ્યાસને ગત તા. 11 ના દુકાનમાં નોકરીમાં રાખેલ હતો અને તે દુકાનમાં નિયમિત સવારના દસેક વાગ્યાથી સાંજના છએક વાગ્યા સુધી નોકરીમાં આવતો હતો. તે તા.11 થી તા.23/09 સુધી કોઈપણ સમયે દુકાનમાથી લેપટોપ ચોરી કરી લઈ ગયેલનું ખુલતાં ફરીયાદ નોંધાવી હતી.
બનાવ અંગેની ફરીયાદ પરથી શહેર વિસ્તારમાં ઘરફોડ-વાહન ચોરીના બનાવો બનેલ હોય જેથી ચોરીઓનો ભેદ ઉકેલવા તથા આમ નાગરીકના જાનમાલને પોલીસ સુરક્ષા મળી રહે તે હેતુસર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, એડી. સીપી મહેન્દ્ર બગડીયા, ડિસીપી રાકેશ દેસાઇ દ્વારા1 ચોરીના ગુન્હાઓનો ભેદ ઉકેલી મુદામાલ કબ્જે કરવાની આપેલ સૂચનાથી એલસીબી ઝોન-2 ના પીએસઆઇ આર.એચ.ઝાલા અને ટીમે ચોરીના બનાવ સ્થળ વિસ્તારના સીસીટીવી ફુટેઝ, ખાનગી બાતમીદારો તથા ટેકનિકલ સોર્સના માધ્યમથી તપાસ આદરી હતી.
તે દરમિયાન સ્ટાફને શાસ્ત્રીમેદાન આર.કે.સી. સ્કુલની દિવાલ પાસે એક શખ્સ ઉભેલ છે, તેમની પાસે લેપટોપ હોય જે સસ્તા ભાવે વેચે છે અને તે ચોરીના છે, તેવી મળેલ ચોક્કસ બાતમીના આધારે ટીમે તુરંત દોડી જઈ આરોપી સ્મીત દર્શિત વ્યાસ (ઉ.વ.26, રહે. 21 સાયોનારા સોસાયટી મોતીબાગ ગેઇટ નં.2 ની બાજુમાં જુનાગઢ) ને પકડી પાડી એક લેપટોપ કબ્જે કર્યું હતું.
જે બાદ પોલીસની પૂછતાછમાં તેને અન્ય લેપટોપ લોધાવાડમાં આવેલ લેપટોપ રીપેરીંગનું કામ કરતાં જયેશ ચાવડા નામના વેપારીને અન્ય લેપટોપ રૂ.30 હજારમાં વેંચ્યાની કબૂલાત આપતાં પોલીસે વેપારી પાસેથી અન્ય આઠ લેપટોપ કબ્જે કરી રૂ.7.16 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
વધુમાં પોલીસે જણાવ્યું હતું કે, આરોપી ટ્રેડિંગમાં રૂપીયા હારી ગયો હોવાથી દેણું ઉતારવા માટે ચોરી કર્યાની પ્રાથમીક કેફિયત આપી હતી. તે દુકાનમાં પડેલ લેપટોપના બોક્સમાંથી ફક્ત લેપટોપ જ કાઢતો હતો જેથી વેપારીને કોઈ શંકા ન જઈ તેવી સિફતપૂર્વક ચોરી કરતો હતો.
ઉલ્લેખનીય છે કે, આરોપીએ અગાઉ અમદાવાદના વસ્ત્રાપુર રોડ પર માનસી સર્કલ પાસે આવેલ હેલ્યો સેન્ટ્રીકસ કંપનીમાંથી પણ ચાર લેપટોપ ચોર્યા હોવાની પણ કબૂલાત આપી હતી.
આ કામગીરીમાં પીએસઆઇ જે.વી.ગોહેલ, રાજેશ મિયાત્રા, જે.વી.ગોહેલ, હેડ કોન્સ્ટેબલ ધર્મરાજસિંહ ઝાલા, શક્તિસિંહ ગોહિલ, હેમેન્દ્ર વાધિયા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, અંકિત નિમાવત, અનિલ ઝીલરીયા અને કોન્સ્ટેબલ કુલદીપસિંહ રાણા, અમીન ભૂલર અને પ્રશાંત ગજેરા રોકાયેલ હતાં.
રાજકોટમાં ભકિતનગર સ્ટેશન પર આવેલ લેપટોપની દુકાનમાંથી થયેલ ચોરીનો બનાવ સીસીટીવીમાં કેદ થયો હતો.જેમાં કર્મચારીએ જ શીષ્તતાથી ચોરી કર્યાનું સામે આવ્યું હતું. જે બાદ પોલીસે પકડેલ આરોપી મુદ્દામાલ સાથે જેવા મળે છે.