New Delhi, તા. 26
દેશમાં ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીના પડઘમ વાગવા લાગ્યા છે અને ભાજપ-એનડીએ કોને આ પદ પર બેસાડવા માટે પસંદ કરશે તેની અટકળો છે. તે વચ્ચે બિહારના હાલના મુખ્યમંત્રી નીતિશકુમારને નવા ઉપરાષ્ટ્રપતિ બનાવાય તેવી ચર્ચા વચ્ચે જનતા દળ(યુ)એ સ્પષ્ટ કર્યુ છે કે, નીતિશકુમાર બિહારમાં જ રહેશે તેઓ રાષ્ટ્રીય કક્ષાએ કોઇ પદ સંભાળનાર નથી.
આવી જ રીતે જનતા દળ (યુ)ના નેતા અને કેન્દ્રીય મંત્રી રામનાથ ઠાકુર નવા ઉપરાષ્ટ્રપતિ બને તેવી શકયતા પણ આ પક્ષે નકારી છે અને ભાજપના સુત્રોએ પણ કહ્યું છે કે નવા ઉપરાષ્ટ્રપતિ ભાજપની વિચારધારા સાથે સંકળાયેલ હોય તે જ હશે. નીતિશકુમાર કે અન્ય કોઇને આ પદ પર બેસાડવાનો કોઇ ઇરાદો નથી.
ચૂંટણી પંચે હવે સમગ્ર પ્રક્રિયા માટે ચૂંટણી અધિકારી નિયુકત કરી દીધા છે અને તેથી આગામી સપ્તાહેથી આ પ્રક્રિયા શરૂ થાય તેવા સંકેત છે તે વચ્ચે બિહારમાં ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ નીતિશકુમારને ઉપરાષ્ટ્રપતિ બનાવે તેવી શકયતાઓ દર્શાવાઇ રહી હતી. પરંતુ ભાજપ અને જનતા દળ(યુ)ના ટોચના નેતાઓએ આ અંગે સ્પષ્ટ કર્યુ છે કે રાજયસભાના સભાપતિ તરીકે આ પદ મહત્વનું છે.
તેથી તેમાં સૌથી મોટા પક્ષ તરીકે ભાજપને તેના પર પસંદગીનો અધિકાર છે. સુત્રોએ જણાવ્યું કે, જનતા દળ(યુ)ના નેતા નીતિશકુમારને ઉપરાષ્ટ્રપતિ પદ માટે પસંદ કરવાનો કોઇ પ્રશ્ન નથી.
આમ બિહાર ચૂંટણીને કારણે જ નીતિશકુમારને ઉમેદવાર બનાવે તેવી શકયતાઓ પર હવે પૂર્ણવિરામ મૂકાઇ ગયું છે. વિપક્ષે આ પદ ઉપર સર્વસંમત ઉમેદવાર ઉભા રાખવા અંગે તૈયારી કરી છે. પરંતુ મતદાનનું ગણિત ભાજપ અને એનડીએ તરફી છે જેના કારણે આ ચૂંટણી ફકત ઔપચારિક બની જાય તેવી ધારણા છે.