Bihar, તા.20
બિહાર વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ બહુમતી સાથે વિજય મેળવ્યા બાદ આજથી ફરી રાજયમાં નિતીશ શાસનનો પ્રારંભ થયો છે. છેલ્લા બે દશકાથી બિહારમા બીનહરીફ મુખ્યમંત્રી બની રહેલા નીતિશકુમારે પટણામાં ગાંધી મેદાનમાં યોજાયેલા એક ભવ્ય શપથવિધી સમારંભમાં મુખ્યમંત્રી પદના શપથ લીધા છે અને આ સાથે તેઓ 3-3-2000ના પ્રથમ વખત રાજયમાં મુખ્યમંત્રી બન્યા બાદ હવે 10મી વખત બિહારનું શાસન સંભાળ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવો તેમજ એનડીએ શાસનના રાજયના મુખ્યમંત્રીઓની હાજરીમાં શ્રી નીતિશકુમાર ઉપરાંત એનડીએના ભાજપના કવોટાના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી તથા વિજય સિન્હા ઉપરાંત કુલ 18 મંત્રીઓ હોદા અને ગુપ્તતાના શપથ લીધા છે.
પટણામાં આ અંગે જબરો માહોલ છવાઈ ગયો હતો વડાપ્રધાન મોદી ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ શપથવિધીમાં સામેલ હતા અને સમગ્ર પટણામાં એનડીએ સરકારને આવકારતા હોર્ડીંગ અને પોસ્ટર પણ લાગ્યા છે.
રાજયના મુખ્યમંત્રી તરીકે નીતિશકુમારની ગઈકાલે એનડીએની બેઠકમાં વિધાનસભા પક્ષના નેતા તરીકે વરણી થઈ હતી અને આ અગાઉ જનતા દળ યુના નવા ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠકમાં સમ્રાટ ચૌધરી તથા વિજય સિન્હાને નેતા અને ઉપ નેતા તરીકે ચૂંટી કઢાયા હતા.

