Amreli,તા.૧
ગુજરાતના અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતો પર આફત બની વળી છે. છેલ્લા કેટલાક દિવસોથી અવિરત વરસાદથી કપાસ અને મગફળીના પાકને વ્યાપક નુકસાન થયું છે. સરકારે ઓનલાઇન ડિજિટલ સર્વેની જાહેરાત કરી છે, પરંતુ કોંગ્રેસે તેનો તીખો વિરોધ કર્યો છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે પ્રેસ કોન્ફરન્સમાં આક્રમકતા દર્શાવી, જ્યારે ભાજપે તેને રાજકીય રમત ગણાવી. આ ઉપરાંત, સાધુ-સંતો અને ઉદ્યોગપતિઓને પણ ખેડૂતોના અવાજ બનવાની હાંકલ કરી છે.
અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોની હાલત કફોડી બની છે. કપાસ અને મગફળીના પાકને મોટું નુકસાન થયું છે, જેના કારણે ખેડૂતો રાતા-પાણીએ રડી રહ્યા છે. સરકારે સહાય પેકેજની જાહેરાત કરી છે, પરંતુ કોંગ્રેસ આ ડિજિટલ સર્વેને ખેડૂતોને ગુમરાહ કરવાનું ગતકડું ગણાવે છે. અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસને આક્રમક બનાવ્યા.
તેમણે કહ્યું કે સાધુ-સંતો અને ઉદ્યોગપતિઓએ ખેડૂતોનો અવાજ બનવો જોઈએ. “ગ્રામસભા બોલાવીને ઠરાવ કરો કે કોઈ ખેડૂતને સર્વે કરવાનો નથી. કોઈ સર્વેયર આવે તો તેને પોતાના ખેતરમાં ન લઈ જવો.” તેમણે ખેડૂતોના દેવા સંપૂર્ણ માફ કરવાની માંગ કરી અને ઓનલાઇન સર્વેને ગુમરાહ કરવાનું ગણાવ્યું. આગામી ત્રણ તારીખથી જિલ્લામાં ધરણા-પ્રદર્શનો યોજાશે, જેમાં ખેડૂતોને જોડાવાની અપીલ કરી છે. પ્રતાપ દુધાતે સરકારને ખેડૂતોના નુકસાન મુદ્દે ઘેરી લીધી છે.
પ્રતાપ દુધાતના આ આક્ષેપોએ રાજકારણ ગરમાવી દીધું. તેના જવાબમાં જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીએ પ્રતિક્રિયા આપી. અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીએ કહ્યું કે “કોંગ્રેસ ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહી છે. ઓનલાઇન સર્વે ન કરાવવાની તેમની અપીલ હાસ્યાસ્પદ છે. રાજ્ય સરકાર ખેડૂતોની સાથે છે અને તેમને પૂરતી સહાય મળશે.” તેમણે ખાસ કરીને પાક નુકસાની મુદ્દે કોંગ્રેસના વિરોધને રાજકીય રમત ગણાવી. આમ, ખેડૂતોની સહાય અને પાક નુકસાની મુદ્દે ભાજપ-કોંગ્રેસ આમનેસામને છે.
આ રાજકીય ખેંચતાણ વચ્ચે સાધુ-સંતો પણ મેદાનમાં આવ્યા છે. ખેડૂતોના પાક નુકસાન બાબતે તેઓએ સરકારને વિનંતી કરી છે. સાવરકુંડલા માનવ મંદિર આશ્રમના સંત ભક્તિ બાપુએ સરકારને અપીલ કરીઃ “અમરેલી જિલ્લાના ખેડૂતો પર મોટી આફત આવી છે. ખેડૂત જગતનો તાત છે, સરકાર માઇબાપ છે. ઝડપથી સહાય ચૂકવો.” અન્ય સંતો પણ પ્રભાવિત ખેડૂતોને તાત્કાલિક સહાય આપવાની માંગ કરી રહ્યા છે. ભાજપના મીડિયા કન્વીનર યજ્ઞેશ દવેએ પણ પ્રતાપ દુધાતના નિવેદન પર તીખી પ્રતિક્રિયા આપી.
યજ્ઞેશ દવેએ કહ્યુંઃ “કોંગ્રેસના નેતાઓ જુઠ્ઠાણું ફેલાવી રહ્યા છે. રાજકીય રોટલો શેકવા માટે ખેડૂતોને સર્વેથી રોકે છે. જે સ્થળે વરસાદ પડ્યો છે, ત્યાં ખેડૂતો જઈને સર્વે કરાવે તો જલ્દી સહાય મળશે. ગુજરાત કે કેન્દ્રની કોંગ્રેસે ખેડૂતો માટે કંઈ કર્યું નથી. કોંગ્રેસ રાજકીય રોટલા શેકવા આવા નિવેદનો કરે છે.” એક તરફ કોંગ્રેસ ડિજિટલ સર્વેના વિરોધમાં ધરણા કરવા જઈ રહી છે, તો બીજી તરફ ભાજપ તેને જલ્દી સહાયનો માર્ગ ગણાવે છે. સંતોની અપીલ વચ્ચે સરકારે રાહત પેકેજની જાહેરાત કરી છે, પરંતુ ખેડૂતોને કેટલી અને ક્યારે મળશે?

