New Delhi,તા.09
ડિજિટલ એરેસ્ટની વધતી ઘટનાઓ વચ્ચે ઇડીએ સ્પષ્ટતા કરી છે કે તે પીએમએલએ હેઠળ ડિજિટલ કે ઓનલાઇન ધરપકડ કરતી નથી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) વ્યકિતગત રીતે સંબધિત વ્યકિતને સમન્સ મોકલે છે.
આ સાથે જ ઇડીએ નકલી સમન્સ અંગે પણ એડવાઇઝરી જારી કરી છે. ઇડીના જણાવ્યા અનુસાર તેના તરફથી મોકલવામાં આવેલા સમન્સને તેની વેબસાઇટ પર જઇને પ્રમાણિત કરવામાં આવી શકે છે.ઇડીએ લોકોને આવા કેસોમાં ખાસ સાવચેતી રાખવાની અપીલ કરી છે. ઇડી તરફથી જારી એડવાઇઝરીમાં જણાવવામાં આવ્યું છે કે ઇડી પીએમએલએ હેઠળ ડિજિટલ અથવા ઓનલાઇન ધરપકડ કરતું નથી.
એજન્સી પૂછપરછ ફક્ત રૂબરૂમાં જ કરે છે. ઇડીએ જણાવ્યું છે કે તેણે અગાઉ પણ ડિજિટલ એરેસ્ટ અને નકલી સમન્સ અંગે એડવાઇઝરી જારી કરી હતી. આમ છતાં કેટલાક સાયબર છેતરપિંડી કરનારાઓએ બળજબરીપૂર્વક વસુલી કરવાના ઇરાદાથી વ્યકિતઓને સમન્સ મોકલ્યા છે. તેથી ઇડીને ફરીથી સમન્સ જારી કરવાની ફરજ પડી છે.ઇડી દ્વારા જારી નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે નકલી સમન્સ પણ ઇડી દ્વારા જારી કરવામાં આવેલા અસલી સમન્સ જેવું જ હોય છે. તેથી સામાન્ય વ્યકિત માટે અસલી અને નકલી સમન્સ વચ્ચે અંતર કરવું મુશ્કેલ બની જાય છે.
તેથી એજન્સીની તરફથી જારી સમન્સની પ્રામાણિકતા ચકાસવાની સુવિધા પ્રદાન કરવા માટે ઉચ્ચ ટેકનોલોજીવાળુ સમન્સ બનાવવાની વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે. આ વ્યવસ્થા હેઠળ સમન્સની નીચે એક ક્યુઆર કોડ અને એક વિશિષ્ટ પાસકોડ હોય છે. આ સાથે જ તપાસ એજન્સી દ્વારા જારી સમન્સ પર તેને જારી કરનાર અધિકારીની સહી અને સ્ટેમ્પ હશે. તેમાં સત્તાવાર ઇમેલ આઇડી અને ફોન નંબર પણ હશે. સમન્સ જારી થયાના ૨૪ કલાક પછી વેબસાઇટ પર તેની પ્રામાણિકતા ચકાસી શકાશે.