પ્રોડ્યુસર બોની કપૂરે તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં સ્પષ્ટતા કરી હતી કે માત્ર તારીખોના પ્રશ્નોને કારણે જ દિલજીતે આ પ્રોજેક્ટ છોડી દીધો હતો
Mumbai, તા.૬
અનીસ બાઝમીની ૨૦૦૫ની કોમેડી હિટ ‘નો એન્ટ્રી’ની લાંબા સમયથી રાહ જોવાતી સિક્વલ આખરે ગતિ પકડી રહી છે. ‘નો એન્ટ્રી ૨’ નામની આ ફિલ્મ ૨૦૨૬ના ક્રિસમસમાં રિલીઝ થવાની શક્યતાઓ છે.આ ફિલ્મમાં અર્જૂન કપૂર અને વરુણ ધવન લીડ રોલમાં છે, જે તે બંને ડબલ રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં ત્રીજો લીડ રોલ દિલજિત દોસાંજનો હતો, જેણે હવે તારીખોના કારણે આ ફિલ્મ છોડી દીધી હોવાનું બે દિવસ પહેલાં બોની કપૂરે જાહેર કર્યું હતું.અભિનેતા અને ગાયક દિલજીત દોસાંઝને અગાઉ વરુણ ધવન અને અર્જુન કપૂર સાથે ત્રણ લીડ કલાકારોમાંથી એક તરીકે કાસ્ટ કરવામાં આવ્યો હતો, તે હવે ફિલ્મનો ભાગ નથી. તેના બહાર નીકળવાથી ઓનલાઈન અટકળો શરૂ થઈ હતી, જેમાં સર્જનાત્મક મતભેદો અથવા તેમની તાજેતરની ફિલ્મ ‘સરદારજી ૩’માં હાનિયા આમિરની ભૂમિકાને સંભવિત કારણો માનવામાં આવે છે.જોકે, પ્રોડ્યુસર બોની કપૂરે તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં સ્પષ્ટતા કરી હતી કે માત્ર તારીખોના પ્રશ્નોને કારણે જ દિલજીતે આ પ્રોજેક્ટ છોડી દીધો હતો. બોની કપૂરે કહ્યું, “હા, અમે સારી રીતે સમજપૂર્વક અલગ થયા છીએ કારણ કે તારીખો અમારી જરૂરિયાતો સાથે મેળ ખાતી ન હતી; આશા છે કે, અમે ટૂંક સમયમાં એક પંજાબી ફિલ્મ સાથે મળીને કામ કરીશું.” દિલજિત હાલમાં એક સાથે એકથી વધુ કામમાં વ્યસ્ત છે. જેમાં ૨૬ ઓક્ટોબરથી ૧૩ નવેમ્બર, ૨૦૨૫ સુધી ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં ઓરા ટૂરનો સમાવેશ થાય છે અને તેના ચાલુ ફિલ્મ પ્રોજેક્ટ્સ પણ છે તેથી તેની પાસે નો એન્ટ્રી ૨ માટે તારીખ બચતી નહોતી.