Gandhinagar,તા.16
ગુજરાતના રાજકારણમાં અત્યાર સુધીના સૌથી મોટા અને આશ્ચર્યજનક સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં મંત્રીમંડળના વિસ્તરણની પ્રક્રિયા અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સિવાયના મોટા ભાગના તમામ મંત્રીઓએ પોતાના પદ પરથી રાજીનામા આપી દીધા છે. આ નિર્ણયને કારણે ગુજરાતના રાજકીય વર્તુળોમાં હડકંપ મચી ગયો છે, અને આગામી મંત્રીમંડળમાં મોટા પાયે પરિવર્તન થવાના સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે.
આ સૌથી મોટા રાજકીય પરિવર્તન વચ્ચે ભારતીય જનતા પાર્ટી (BJP) ફરી એકવાર 2021ની માફક ‘નો-રિપીટ’ થિયરીની ફોર્મ્યુલા લાગુ કરી શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મોટા ભાગના વર્તમાન મંત્રીઓને આ વખતે પડતા મૂકવામાં આવે તેવી શક્યતા છે.મળતી માહિતી મુજબ, આજે બપોરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને મંત્રીમંડળની બેઠક મળી હતી, જેમાં તમામ મંત્રીઓએ સામૂહિક રીતે રાજીનામા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણય બાદ હવે સૌની નજર નવા મંત્રીમંડળની જાહેરાત પર ટકેલી છે.સાથે જ, રાજ્યમાં નાયબ મુખ્યમંત્રી (Deputy CM)ની નિમણૂક અંગે પણ રાજકીય ગલિયારામાં જોરદાર ચર્ચા ચાલી રહી છે. ભાજપના મોવડીમંડળ દ્વારા આ અંગે શું નિર્ણય લેવાય છે, તેના પર સૌની નજર છે.નવા મંત્રીમંડળની શપથવિધિ માટેની સત્તાવાર જાહેરાત રાજ્યપાલ દ્વારા કરી દેવામાં આવી છે. નવા મંત્રીમંડળની શપથવિધિ આવતીકાલે શુક્રવારે (17મી ઓક્ટોબર) ના રોજ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે યોજાશે.શપથવિધિ સમારંભ પૂર્ણ થયા બાદ તરત જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં નવી કેબિનેટની પ્રથમ બેઠક પણ યોજાશે.ગુજરાતના રાજકીય ઇતિહાસમાં આ એક મોટો અને મહત્વનો ફેરફાર છે, જેના પર સમગ્ર દેશની નજર છે.