New Delhi, તા.28
ભારતના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે કહ્યું છે કે, તેઓ T20 આંતરરાષ્ટ્રીય કેપ્ટન સૂર્યકુમાર યાદવના ખરાબ ફોર્મથી ચિંતિત નથી. ભારતે ગયા મહિને UAEમાં સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ એશિયા કપ ટુર્નામેન્ટ જીતી હતી, જેમાં તેણે પાકિસ્તાનને હરાવ્યું હતું, પરંતુ ભારતીય કેપ્ટનનું બેટિંગ ફોર્મ ખરાબ રહ્યું છે, તેણે સાત ઇનિંગ્સમાં ફક્ત 72 રન બનાવ્યા છે.
આમ છતાં, મુખ્ય કોચે સૂર્યકુમારને ટેકો આપ્યો છે. ગંભીરે કહ્યું, “મને સૂર્યકુમારના બેટિંગ ફોર્મ વિશે ચિંતા નથી કારણ કે અમે અમારા ડ્રેસિંગ રૂમમાં ખૂબ જ આક્રમક અભિગમ અપનાવ્યો છે. જ્યારે તમે આ માનસિકતા અપનાવો છો, ત્યારે નિષ્ફળત થવાના જ છે.
સૂર્યકુમાર માટે 30 બોલમાં 40 રન બનાવવા અને ટીકાથી બચવું સરળ હોત, પરંતુ અમે સામૂહિક રીતે નક્કી કર્યું છે કે આ અભિગમ અપનાવતી વખતે નિષ્ફળ થવામાં કોઈ સમસ્યા નથી.” સૂર્યકુમાર એ બેટમાં સંઘર્ષ કરી રહ્યા હતા, ત્યારે અભિષેક શર્મા અને તિલક વર્મા જેવા ખેલાડીઓએ તેમની પ્રભાવશાળી બેટિંગથી ટુર્નામેન્ટમાં ધૂમ મચાવી દીધી હતી.
ગંભીરે કહ્યું, તેમનું ધ્યાન કોઈ એક ખેલાડી પર નહીં, પરંતુ આખી ટીમ પર છે. તેમણે કહ્યું, “ટી20માં, અમારું ધ્યાન વ્યક્તિગત રન પર નહીં, પરંતુ આપણે કેવા પ્રકારનું ક્રિકેટ રમવા માંગીએ છીએ તેના પર છે. આપણી આક્રમક શૈલીમાં, બેટ્સમેન વધુ વખત નિષ્ફળ જઈ શકે છે, પરંતુ અંતે, રન કરતાં અસર વધુ મહત્વ ધરાવે છે.” ગંભીરે પોતાના વિઝન અને સૂર્યકુમાર સાથેની પોતાની ભાગીદારી વિશે વાત કરી.
તેમણે કહ્યું, “અમારી પહેલી વાતચીતથી, અમે સંમત થયા હતા કે અમે હારથી ડરીશું નહીં. મારો ઉદ્દેશ્ય સૌથી સફળ કોચ બનવાનો નથી. હું ઇચ્છું છું કે અમે સૌથી નિર્ભય ટીમ બનીએ.” ગંભીરે સ્વીકાર્યું કે, તેના ખેલાડીઓ નિર્ભય ટીમ બનવાના પ્રયાસમાં ભૂલો કરી શકે છે.
તેમણે કહ્યું, “એશિયા કપ ફાઇનલ જેવી મોટી મેચમાં, મેં ખેલાડીઓને કહ્યું કે કેચ છોડવો, ખરાબ શોટ રમવો અથવા ખરાબ બોલ ફેંકવો ઠીક છે. મેચ જેટલી મોટી હશે, તેટલા જ આક્રમક બનવું પડશે. જો આપણે હિંમત અને જુસ્સાથી રમીશું, તો આપણું સારું પ્રદર્શન થઈ શકશે.”

