દુર્ઘટનામાં હોસ્ટેલની કુલ ૪ બિલ્ડિંગ આગની ઝપેટમાં આવી હતી. જેમાં તબીબો અને તેમના પરિવારજનો રહેતા હતા
Ahmedabad , તા.૧૨
અમદાવાદના સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ટેક ઓફ કરતી વખતે એર ઇન્ડિયાનું અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ થયું હતું. આ વિમાન એરપોર્ટ પરથી બપોરે ૧.૩૮ વાગે ટેક ઓફ થયું હતું અને ૧.૪૦ વાગે દુર્ઘટના સર્જાઈ હતી. પ્રાથમિક અહેવાલો પ્રમાણે મેઘાણીનગર વિસ્તારમાં ઘોડા કેમ્પ નજીક આઈજીબી કમ્પાઉન્ડમાં આ ઘટના બની હતી.
દુર્ઘટના સર્જાતા વિમાનનો કાટમાળ ૩૦૦થી ૪૦૦ ફૂટ દૂર સુધી ઉછળીને પડ્યો હતો. એટલે હોસ્ટેલ બિલ્ડિંગથી એફએસએલની બિલ્ડિંગ સુધી વિમાનનો કાટમાળ ફેલાયેલો જોવા મળી રહ્યો છે. દુર્ઘટનામાં હોસ્ટેલની કુલ ૪ બિલ્ડિંગ આગની ઝપેટમાં આવી હતી. જેમાં તબીબો અને તેમના પરિવારજનો રહેતા હતા, જેથી તેમના મોતનો આંક વધી શકે છે.
અતુલ્યમ હોસ્પિટલની ૧, ૨, ૩ અને ૪ બિલ્ડિંગને ભારે નુકસાન પહોંચ્યું છે. ઘટના સ્થળ પર ડીજીપી, અમદાવાદ શહેર પોલીસ કમિશનર, ફોરેન્સિક એક્સપર્ટની ટીમ પહોંચી ગઈ છે અને તપાસ કરી રહી છે. વિમાન સૌપ્રથમ એક એવી બિલ્ડિંગ સાથે અથડાયું હતું જ્યાં મેસ (ભોજનાલય) ચાલતી હતી.
આગની ભીષણતાને કારણે કેટલાક લોકો પોતાનો જીવ બચાવવા બિલ્ડિંગના ચોથા માળેથી કૂદ્યા હતા. આ ઘટનાને નજરે જોનાર લોકોનું કહેવું છે કે, એક વ્યક્તિએ એક બાળકનો જીવ બચાવવા માટે તેને ચોથા માળેથી નીચે ફેંક્યો હતો. જ્યારે, એક મહિલા પણ ચોથા માળેથી કૂદી હોવાથી તેને ગંભીર ઈજાઓ પહોંચી છે. નજરે જોનાર કેટલાક લોકોનું કહેવું છે કે બિલ્ડિંગમાં આગ લાગતા ૮થી વધુ લોકો ચોથા માળેથી કૂદ્યા હતા.
આ દુઃખદ ઘટનાની જાણ થતાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના મુખ્ય સચિવ પંકજ જોષી અને સંબંધિત વરિષ્ઠ સચિવોનો ટેલીફોન પર સંપર્ક કરીને ઈજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલિક સારવાર માટે પહોંચાડવા ગ્રીન કોરીડોરની વ્યવસ્થા માટે અને હોસ્પિટલમાં સારવારની તમામ વ્યવસ્થાઓ અગ્રતાક્રમે સુનિશ્ચિત કરવા પણ સુચનાઓ આપી હતી.