Rajkot, તા 29
સોશિયલ મીડિયા સ્ટાર અને સમાજસેવક નીતિન જાની ઉર્ફે ખજૂર ભાઇએ ગુજરાતના રાજકારણમાં પ્રવેશ કરવાની મોટી જાહેરાત કરી છે.ખજૂરભાઇએ વર્ષ 2027 ની વિધાનસભા ચૂંટણીમાં મેદાનમાં ઉતરવાની જાહેરાત કરી છે, જેનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
વિડીયો વાયરલ થતાં સોશિયલ મીડિયા પર અફરાતફરી મચી છે અને રાજકારણ ગરમાયુ છે. ત્યારે સોશિયલ મીડિયા પર તો તેમના આમ આદમી પાર્ટીમાં જોડાશે તેવા પોસ્ટર વાયરલ થયા છે.
આ અંગે સાંજ સમાચારના યુવા એક્ઝિક્યુટિવ કરણભાઈ શાહ સાથે વાત કરતા નીતિન જાની ઉર્ફે ખજૂર ભાઇએ જણાવ્યું હતું કે, મેં માત્ર એક કાર્યક્રમમાં સામાન્ય વાત કરી હતી હાલ રાજકારણમાં જોડાવાનો કોઈ વિચાર નથી કે કોઇ પાર્ટીમાં જોડાવાનો નથી.
હા એક વાત ચોક્કસ છે કે 2027 માં રાજકારણમાં જોડાઈશ. વધુમાં તેઓએ જણાવ્યું કે રાજુલામાં એક કાર્યક્રમમાં હાજરી આપવા ગયો હતો જ્યારે બહોળી સંખ્યામાં યુવાનો હજાર હતા. યુવાનોને રાજકારણમાં જોડાવા અંગે જાગૃત કરવા એક સ્ટેટમેન્ટ આપ્યું હતું. હજુ પાર્ટી નક્કી કરી નથી.
નીતિન જાની ઉર્ફે ખજૂર ભાઇ પાર્ટીમાં જોડાઈ ગયા હોય તેવા પોસ્ટર હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે અને અંગે કરણભાઈ શાહએ પુછ્યું કે તમે ‘આપ’ માં જોડાઈ ગયાના પોસ્ટર વાયરલ થયા છે તેના પર તમારૂ શું કહેવું છે.
ત્યારે તેઓએ જણાવ્યું કે મેં ખાલી વાત કરી હતી મને ન હતી ખબર કે આ વાત મોટું સ્વરૂપ લેશે. માત્ર ઔપચારિક વાત હતી. હજુ હું જોઈશ અને જાણીસ. હાલ તો હું કોમેડી વિડીયો બનાવી રહ્યો છું. મને એકેય પાર્ટીમાથી એપ્રોચ આવ્યો નથી.
મૂળ સુરતમાં જન્મેલા અને હાલ બારડોલીમાં રહેતા નીતિન જાની ઉર્ફે ખજૂર ભાઇ છેલ્લા ચાર વર્ષથી સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે.અત્યાર સુધીમાં 375 ઘર બનાવ્યા છે. રાજકારણ અંગે લોકોની માનસિકતા ખરાબ છે. 70 થી 80 વર્ષના વૃદ્ધો રાજકારણને ગંદુ માને છે.આથી આજ ના યુવાનોને રાજકારણમાં જોડાવા અંગે અને જોડાયા બાદ સેવા કરવા અંગે પ્રોત્સાહન આપું છું. મેં દક્ષિણ ઉત્તર ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્રમા ખૂબ કામ કર્યું છે.
હાલ ખેડૂતો સામે કપરી પરિસ્થિતિ ઉભી થઈ છે. પરતું લોકો માત્ર વિડીયો બનાવી રહ્યા છે ખેડૂતોની મદદ કરવાને બદલે માત્ર વાતો થાય રહી છે.આ કુદરતી આફતમાં લોકોએ માણસાઈ બતાવી ખેડૂતોની મદદ કરવી જોઇએ. હું ખેડૂતોને મળીને ખેડૂતોની પરિસ્થિતિ નો તાગ મેળવીશ. અને શક્યા તેટલી મદદ કરીશ. મારે માત્ર સારું કામ કરવું છે.

