Jamnagar તા.17
માર્ગ અને મકાન વિભાગ (પંચાયત), જામનગરના નિયંત્રણ હેઠળના પંચાયત માર્ગ અને મકાન પેટા વિભાગ, કાલાવડ હસ્તકના બાલંભડી મોટા ભાડુકિયા કોઠા ભાડુકિયા રાજડા શિશાંગ રોડ પર કોઠા ભાડુકિયા ગામ પાસે ઉંડ-૩ સિંચાઇ વિભાગ હસ્તકનો મેજર બ્રીજ (પુલ) આવેલ છે. આ બ્રીજમાં ૯ મીટરના કુલ ૯ (નવ) સ્પાન છે. બ્રીજના એબટમેન્ટ તેમજ પીયરમાં સ્કાઉરીંગ થયેલ જણાય છે. તેમજ આ બ્રીજમાં ક્રેક થયેલ હોવાથી હાલ આ બ્રીજના રીપેરીંગનું કામ ટેન્ડરીંગ પ્રક્રીયા હેઠળ છે. બ્રીજની હાલની સ્થિતિ જોતા આ બ્રીજ પરથી ભારે વાહનોની અવર-જવર કરવી જોખમી છે. આથી આ બ્રીજ પરથી ભારે વાહનોની અવર-જવર રોકવા અંગેનું પ્રતિબંધાત્મક જાહેરનામું અધિક જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી બી.એન.ખેર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.
જાહેરનામા મુજબ બાલંભડી મોટા ભડુકિયા કોઠા ભાડુકિયા રાજડા શિશાંગ રોડ પર કોઠા ભાડુકિયા ગામ પાસે ઉંડ-૩ સિંચાઇ વિભાગ હસ્તકનો ૯ સ્પાન ધરાવતો બ્રીજ તથા રસ્તો તમામ પ્રકારના ટ્રક,ડમ્પર, ટેન્કર જેવા માલ વાહક અને ભારે વાહનો માટે અન્ય કોઈ સુચના ન મળે ત્યાં સુધી બંધ કરવામાં આવે છે. જેના વૈકલ્પિક રૂટ તરીકે કાલાવડ – શિશાંગ – રાજડા – કોઠા ભાડૂકીયા રોડ વાળો રસ્તો ઉપયોગમાં લેવાનો રહેશે. આ જાહેરનામાંનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા (૪૫મો અધિનિયમ), ૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે. તેમ જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે.