જામીન ઉપર છૂટી ફરી ગુનાખોરી આચરતા જમીનની શરતોનુ ભંગ કરતો હોવાની પોલીસની કોર્ટમાં રજૂઆત
Rajkotતા.27
રાજ્યમાં અવાર-નવાર ગુના આચરતા ગુનેગારોની ૧૦૦ કલાકમાં યાદી તૈયાર કરી આકરી કાર્યવાહી કરવાની સૂચના અન્વયે રાજ્યભરની પોલીસ દ્વારા અવાર-નવાર ગુના આચરવાની ટેવ ધરાવતા શખ્સો સામે આકરા પગલા ભરવામાં આવી રહ્યા છે. જેમાં શહેરના કુખ્યાત ગુનેગાર માજીદ ભાણુના ગુજસીટોકના જામીન રદ કરવામાં આવ્યા છે.જાણવા મળતી વિગત મુજબ પ્રનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી ગુનેગારો વિરૂધ્ધ અટકાયતી પગલા લેવા અને કોર્ટ દ્વારા શરતોને આધીન જામીન પર છૂટેલા આરોપીના રીપોર્ટ રદ કરવા સૂચના આપવામાં આવી હતી. જે અનુસંધાને જામનગર રોડ પર હુડકો ક્વાટરમાં રહેતા કુખ્યાત આરોપી માજીદ ઉર્ફે માજલો રફીકભાઈ ભાણુના ગુજસીટોકના જામીન રદ કરવા પ્રનગરના પીઆઈ વી.આર.વસાવા દ્વારા એસીપીને રીપોર્ટ કરવામાં આવ્યો હતો. જેથી એસીપી રાધિકા ભારાઈ દ્વારા કોર્ટમાં આરોપી માજીદ ભાણુના જામીન રદ કરવા રીપોર્ટ કર્યો હતો. જેમાં ગુજસીટોકના સ્પેશ્યલ સરકારી વકીલ તુષાર ગોકાણી દ્વારા આરોપી ગુનાહીત ઈતિહાસ ધરાવતો હોય તેમજ ગુજસીટોકના ગુનામાં જામીન મુક્ત થયે ફરીથી જાહેર સુલેહ શાંતિનો ભંગ કરતો હોય અને કોર્ટની શરતો ભંગ કરેલી હોય તેવી દલીલો કરતા કોર્ટે ગુજસીટોકના ગુનામાં જામીન પર રહેલા માજીદ ભાણુના જામીન રદ કરવા હુકમ કર્યો છે. આરોપી માજીદ ભાણુ સામે રાજકોટમાં ૧૧ અને વડોદરમાં ૧ મળી કુલ ૧૨ ગુના નોંધાયા છે.