New Delhi,તા.11
દેશમાં આરોગ્ય વિમો અંગે વધતી જતી જાગૃતતામાં વિમા કંપનીઓ અને હોસ્પિટલોની સાંઠગાંઠ બહાર આવી છે અને તેના કારણે જેમાં મેડીકલેઈમ હોય તેવી સારવારના ખર્ચમાં થઈ રહેલા વધારાના કારણે અંતે દર્દીઓને જ વધારે પેમેન્ટ કરવું પડે છે પરંતુ સરકાર હવે તેમાં આકરા પગલા લઈ રહી હોવાના સંકેત છે.
સરકાર દ્વારા સ્વાસ્થ્ય વિમા ક્ષેત્રે નેશનલ હેલ્થ કલેઈમ એકસચેંજ પોર્ટલ સ્થાપવામાં આવશે અને તેના આધારે હોસ્પિટલો અને તેના સારવારની માહિતી ઓનલાઈન ઉપલબ્ધ હશે. એટલું જ નહી આ પોર્ટલ મારફત તમારા વિમા ખર્ચ અંગેની માહિતી પણ અપલોડ કરી શકાશે અને તેમાં વધારે પડતા બીલીંગ થઈ રહ્યા હોય તો તુર્તજ જે તે હોસ્પિટલ સામે કામ લેવાશે.
વિશ્વમાં મેડીકલેઈમમાં જે ખર્ચ વધારો થઈ રહ્યો છે તેની સરખામણીમાં ભારતમાં 13 ટકા વધુ ખર્ચ દર્દીઓને ભોગવવો પડે છે અને હોસ્પિટલો વધુ ચાર્જ કરતી હોવાથી વિમા કંપનીઓ પણ તેના આધારે મેડીકલેઈમનું પ્રીમીયમ સતત વધારતી જાય છે. દેશમાં પ્રથમ વખત 2024-25માં મેડીકલેઈમ મારફત મળતા પ્રીમીયમની વાર્ષિક આવકમાં નવ ટકાનો ઘટાડો થયો છે.
જે અગાઉ દર વર્ષે 20 ટકા જેવી વધતી હતી તેનું કારણ વધતા જતા પ્રીમીયમને કારણે લોકો પોતાનું હેલ્થ વીમો રીન્યુ કરાવતા નથી અથવા તો તેઓ ઓછી રકમનો વિમો લઈને કામ ચલાવે છે. જયારે ખરેખર તેઓને વધુ આરોગ્યખર્ચની જરૂર હોય તો તેણે પોતાના ખિસ્સાના પૈસા આપવા પડે છે. સરકારે આ અંગે હવે વિમા દાવા અંગેના તમામ કેસ એ ખાસ પોર્ટલના આધારે થશે.
જેમાં વિમા કંપનીઓ અને હોસ્પિટલો પણ સ્પર્ધાત્મક દરે સેવા ઓફર કરે તે જોવાશે. એટલું જ નહી દર્દીઓને જે જરૂરી ન હોય તેવી સારવાર અને જે ચાર્જ લેવામાં આવે છે તે પણ આ પ્રકારની વ્યવસ્થા હેઠળ ખુલ્લુ થઈ જશે જેના કારણે સમગ્ર મેડીકલેઈમની વ્યવસ્થા પારદર્શક તથા વ્યાજબી બને તે જોવા માંગે છે અને દરેક કંપની તથા હોસ્પિટલ કે જે આ પ્રકારની વિમા સેવા આપતી હોય તેણે તેમાં જોડાવુ પડશે.
દેશમાં સરકાર દ્વારા આરોગ્ય યોજનાઓમાં રૂા.પાંચ લાખ સુધીની જે આયુષ્યમાન ભારત યોજના અમલમાં મુકવામાં આવી છે તેમાં પણ હોસ્પિટલો સરકારી બીલીંગ ઉપરાંત દર્દીને ખાનગી રીતે ખર્ચ કરવો પડે તે રીતે સારવાર કરે છે.આ ઉપરાંત સરકારના બીલીંગ પણ મોંઘા બનાવે છે જેને કારણે દર વર્ષે અબજો રૂપિયાના વધારાના વિમા કલેઈમનાં પૈસા સરકારને ચુકવવા પડે છે.
તેથી નવા પોર્ટલ હેઠળ આયુષ્યમાન ભારત યોજનાને પણ આવરી લેવાય તેવા સંકેત છે.જેના કારણે દર્દીઓને જે સારવાર અપાય છે તેમાં સરકાર દ્વારા નિશ્ચિત ખર્ચ અને દર્દીઓ પાસેથી અલગથી જે રકમ વસુલાય છે તે અંગે પર માહિતી અપલોડ કરવી પડશે આમ સરકાર આ યોજનાને પણ પારદર્શક બનાવવા માંગે છે.