Ahmedabad, તા.13
અમદાવાદમાંથી પકડાયેલા બાંગ્લાદેશીઓની તપાસ વચ્ચે બાંગ્લાદેશીઓના 500થી વધુ પાસપોર્ટ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે તપાસ શરૂ કરી છે. પાસપોર્ટ કચેરી પાસેથી મળેલી વિગતો અનુસાર તપાસ કરતા ત્રણ પાસપોર્ટ બોગસ ડોક્યુમેન્ટના આધારે બની ગયા હોવાનો ઘટસ્ફોટ થયો છે. ક્રાઈમ ! બ્રાન્ચે એક બાંગ્લાદેશી મહિલાની ધરપકડ અને ચાર શંકાસ્પદ લોકોની અટકાયત કરી છે.
અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, ઈકોનોમીક ઓફેન્સ વીંગ, ઝોન 6ની લોકલ ક્રાઈમ બ્રાન્ચ, ઇસનપુર પોલીસ તેમજ પોલીસ હેડ કવાર્ટરની 5 ટીમોએ મળીને સયુક્ત ઓપરેશન હાથ ધરીને ચંડોળા વિસ્તારમાંથી 457 વિદેશીઓને પકડી પાડયા હતા. તેમજ ગેરકાયદેર બાંધકામ પર બુલડોઝર ફેરવી દીધુ હતું. આશરો આપનાર લલ્લા પણ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
ક્રાઈમ બ્રાન્ચની પ્રાથમીક તપાસમાં બોગસ ડોક્યુમેન્ટના આધારે પાસપોર્ટ બનાવ્યા હોવાનો ઘટસ્ફોટ થયો હતો. આ તમામને ચંડોળા તળાવમાં રહેતા લોકોના બનાવટી દસ્તાવેજનો ઉપયોગ કરીને ભારતીય પાસપોર્ટ ઈશ્યુ કરાવી દીધા હતા. બનાવટી પાસપોર્ટ બનાવવાના રેકેટમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે એક બાંગ્લાદેશી મહિલાની ધરપકડ કરી છે.
અત્યારે સુધીનું સૌથી મોટુ બોગસ પાસપોર્ટ બનાવવાના કૌભાંડ બહાર આવવાની શક્યતાઓ છે. આ સાથે બોગસ પાસપોર્ટ બનાવનારા એજન્ટો પર પણ તવાઈ આવે તેવી શક્યતા સેવાય છે.