અહેવાલો અનુસાર, આ ગેંગ હરિયાણામાં બનેલો દારૂ ઊંટ દ્વારા જંગલ માર્ગે ફરીદાબાદથી દિલ્હી લાવતા હતી
New Delhi, તા.૧૩
દિલ્હી પોલીસે ખૂબ જ અનોખી રીતે ગેરકાયદે દારૂ દિલ્હીમાં ઘુસાડતી દારૂની તસ્કરી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. દક્ષિણ જિલ્લા પોલીસે આ ગેંગના ૫ બુટલેગરોની ધરપકડ કરી છે, જે હરિયાણાથી ઊંટનો ઉપયોગ કરીને દિલ્હી દારૂનો જથ્થો લાવતા હતા.અહેવાલો અનુસાર, આ ગેંગ હરિયાણામાં બનેલો દારૂ ઊંટ દ્વારા જંગલ માર્ગે ફરીદાબાદથી દિલ્હી લાવતા હતી, જેથી કોઈને શંકા ન થાય. તસ્કરો પોલીસ ચેકિંગથી બચવા માટે ઊંટનો ઉપયોગ કરતા હતા. પોલીસે આ આરોપીઓના કબજામાંથી ગેરકાયદે દારૂની કુલ ૪૨ પેટીઓ જપ્ત કરી છે. આ સાથે પોલીસે દારૂની ગેરકાયદે હેરાફેરી માટે ઉપયોગમાં લેવાતા ૩ ઊંટ પણ જપ્ત કર્યા છે.ધરપકડ કરાયેલા આરોપીઓની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે આ લોકો લાંબા સમયથી આ રીતે દારૂની હેરાફેરી કરી રહ્યા હતા. રાત્રે જંગલના માર્ગો દ્વારા ઊંટો પર દારૂ દિલ્હી પહોંચાડવામાં આવતો હતો. દક્ષિણ જિલ્લા પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, ‘બાતમીના આધારે, ટીમે છટકું ગોઠવ્યું હતું અને જ્યારે દાણચોરો દિલ્હી તરફ જઈ રહ્યા હતા, ત્યારે તેને રંગે હાથે પકડી પાડવામાં આવ્યા હતા.’ પોલીસ હવે એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ ગેંગનું નેટવર્ક કેટલું મોટું છે અને તેની પાછળ બીજું કોણ સંડોવાયેલું છે. દિલ્હી પોલીસની આ કાર્યવાહીથી બુટલેગરોમાં ગભરાટ ફેલાયો છે. હાલમાં આરોપીઓ સામે કેસ નોંધીને કાર્યવાહી કરવામાં આવી રહી છે.