New Delhi તા.19
વેપાર ઉદ્યોગના જીએસટી રજીસ્ટ્રેશનની પ્રક્રિયા વધુ સરળ અને ઝડપી બનાવવામાં આવી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેકટ ટેસ્ટ એન્ડ કસ્ટમ દ્વારા પ્રોસેસીંગ પ્રક્રિયામાં બદલાવના દિશા નિર્દેશ જારી કરવામાં આવ્યા છે.
તે અંતર્ગત વેપાર ઉદ્યોગકારોને માત્ર સાત દિવસમાં જીએસટી રજીસ્ટ્રેશન મળી જશે. જે અરજી ‘જોખમી’ કે શંકાસ્પદની વ્યાખ્યામાં હશે તેમાં ફીઝીકલ વેરીફીકેશન કરાશે અને તે પ્રક્રિયા 30 દિવસમાં ખાખ કરવાની તાકીદ કરવામાં આવી છે.
આડકતરા કરવેરા બોર્ડના નવા દિશાનિર્દેશોમાં એમ કહેવામાં આવ્યુ છે કે જીએસટી રજીસ્ટ્રેશનની અરજીમાં ડેટા એનાલીસીસ તથા જોખમી માપદંડોના આધારે કોમન પોર્ટલ પર શંકાસ્પદ ગણવામાં આવી ન હોય અને અરજી ‘પરફેકટ’ હોય તો અરજી થયાના સાત કાયદાનુ દિવસમાં તેને મંજુરી આપવી પડશે.
જે અરજીઓને કોમન પોર્ટલ પર જોખમી ગણવામાં આવી હોય અથવા અધિકારીને કોઈ શંકાના આધારે ફીઝીકલ વેરીફીકેશન જરૂરી લાગે તો અરજી થયાના 30 દિવસમાં રજીસ્ટ્રેશન મંજુર કરવુ પડશે.
સુધારેલી માર્ગદર્શિકામાં અધિકારીઓને એવી પણ તાકીદ કરવામાં આવી છે કે મામુલી વિસંગતતાઓ અથવા બીનજરૂરી દસ્તાવેજ ન હોવાની બાબતોને આગળ ધરીને અરજદારને નોટીસ ન મોકલે અથવા હેરાનગતિ ન કરે.
પ્રોસેસીંગ માટે જરૂરી દસ્તાવેજો સિવાય અન્ય કોઈ ડોકયુમેન્ટસનો આગ્રહ રાખવામાં ન આવે. રજીસ્ટ્રેશન એપ્લીકેશન ફોર્મમાં દર્શાવેલા દસ્તાવેજોના લીસ્ટ મુજબ જ કાર્યવાહી કરવાની તાકીદ કરવામાં આવી છે.
એમ પણ કહેવામાં આવ્યું છે કે લીસ્ટેડ સિવાયના દસ્તાવેજની જરૂર હોય તો અરજદાર પાસેથી મંગાવતા પુર્વે અધિકારીએ ડેપ્યુટી કે આસીસ્ટંટ કમીશ્નરનુ ધ્યાન દોરીને પુર્વ મંજુરી મેળવવી પડશે. અરજીના પ્રોસેસીંગ વખત દસ્તાવેજોની અસલ ફીઝીકલ નકલ માંગવાની પણ મનાઈ ફરમાવવામાં આવી છે.
વેપારના નિયત સ્થળ મામલે વેપારી અરજદારે પ્રોપર્ટી ટેકસની છેલ્લી નકલ અથવા માલિકના વિજબીલની નકલ અથવા રાજય સરકાર તરફથી મળેલા અન્ય કોઈ દસ્તાવેજની નકલ અપલોડ કરવી પડશે જેના આધારે ધંધાકીય સ્થળની માહિતી સાબીત થઈ શકે. ભાડાની જગ્યા માટે ભાડા કરાર અથવા લીઝ કરાર અપલોડ કરવા પડશે. સાથોસાથ ધંધાકીય સ્થળ સંબંધીત એક દસ્તાવેજ આપવો પડશે.