New Delhi,તા.24
આજના સમયમાં લાંબી યાત્રા કરવા માટે મોટાભાગના લોકો રેલવેમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે. રેલવેમાં ટિકિટ બુક કરાવીને આરામદાયક મુસાફરી કરી શકાય છે. જોકે ટિકિટ બુક કરાવવા માટે કેટલાક નિયમોનું પાલન કરવું પડે છે. તાજેતરમાં રેલ મંત્રાલય દ્વારા ઇમરજન્સી કોટાની બુકિંગ માટેના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
રેલ મંત્રાલય દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે, ઇમરજન્સી કોટામાં ટિકિટ બુક કરાવવા માટે એક દિવસ અગાઉ રિક્વેસ્ટ મોકલવાની રહેશે. જો રાત્રે 12 વાગ્યાથી લઈને બપોરના 2 વાગ્યાની વચ્ચેની કોઈ ટ્રેન છે. તો તેના એક દિવસ પહેલા બપોરે 12 વાગ્યે રિક્વેસ્ટ મોકલવાની રહેશે. જો બપોરે 2 વાગ્યાથી લઈને રાતના 12 વાગ્યાની વચ્ચેની કોઈ ટ્રેન છે, તો એક દિવસ અગાઉ સાંજે 4 વાગ્યા સુધીમાં રિક્વેસ્ટ મોકલવાની રહેશે.
રેલવેના નવા નિયમ અનુસાર જે દિવસની ટ્રેન હશે, એ જ દિવસે ઇમરજન્સી કોટાની ટિકિટ માટે રિક્વેસ્ટ મોકલવાથી કોઈ ફાયદો થશે નહી. તાજેતરમાં રેલવે વિભાગ દ્વારા ટ્રેન ઉપડવાના 8 કલાક પહેલા રિઝર્વેશન ચાર્ટ તૈયાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
તેથી જો રિક્વેસ્ટ સમયસર ન આવે તો ચાર્ટ તૈયાર કરવામાં મુશ્કેલી આવતી હતી. આ તમામ પ્રકારના કોટાની બુકિંગની સમસ્યા હતી. તેને અનુલક્ષીને ઇમરજન્સી કોટાની ટિકિટના બુકિંગ માટે હવે આ નિર્ણય લેવાયો છે.
રેલવે દ્વારા કેટલીક સીટોને છેલ્લી ઘડી માટે રિઝર્વ રાખવામાં આવે છે. આ સીટો વીઆઈપી, મેડિકલ ઇમરજન્સીવાળા યાત્રીઓ અથવા રેલવેના કર્મચારીઓ માટે હોય છે. પરંતુ ઘણીવાર ઇમરજન્સી કોટાની સીટોનો દુરઉપયોગ પણ કરવામાં આવે છે.
તેનો દુરઉપયોગ અટકાવવા માટે રેલવે દ્વારા કડક નિયમો તૈયાર કરવામાં આવ્યા છે. જો કે, તાજેતરમાં જે ફેરફાર કરાયો છે, તેની સામાન્ય યાત્રીઓ પર પણ અસર પડશે.
રેલવે મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે, ટ્રેનના પ્રસ્થાનના દિવસે ઈમરજન્સી કવોટા હેઠળ મળેલી વિનંતીઓ પર સીટો આપવામાં આવશે નહીં. રવિવાર કે અન્ય કોઈપણ જાહેર રજા અંગે મંત્રાલયે કહ્યું છે કે, જે ટ્રેનોમાં રવિવારે કે રવિવાર પછીની રજાઓના દિવસે ઇમરજન્સી ક્વોટા જાહેર કરવાનો હોય છે ત્યાં સીટ મુક્ત થવાના એક દિવસ પહેલા ઓફિસ બંધ થવાના સમય પહેલા વિનંતી ફાઇલ કરવી પડશે.
રેલવે મંત્રાલયે જણાવ્યું હતું કે, રેલવે બોર્ડના રિઝર્વેશન સેલને VIP, રેલવે અધિકારીઓ, વરિષ્ઠ અધિકારીઓ અને અન્ય વિભાગો તરફથી મોટી સંખ્યામાં વિનંતીઓ મળે છે.
નવી જોગવાઈઓમાં ઓનલાઈન તત્કાલ બુકિંગ માટે આધાર-આધારિત વેરિફિકેશન ફરજિયાત બનાવવામાં આવી છે. એટલે કે, જે લોકો IRCTC એપ પર આધાર લિંક નથી ધરાવતા તેઓ તત્કાલ ટિકિટ બુક કરી શકશે નહીં.
રેલવે મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે તેનો ઉદ્દેશ્ય બધા માટે તત્કાલ ટિકિટોની સમાન ઍક્સેસ સુનિશ્ચિત કરવાનો અને દુરુપયોગને રોકવાનો છે.