New Delhi, તા.1
ફાસ્ટેગ સાથે જોડાયેલ `નો યોર વ્હીકલ’ એટલે કે કેવાયવી પ્રક્રિયા કરવા માટે હવે વાહન માલિકોએ વધુ પરેશાની નહીં ઉઠાવવી પડે. વાહનની માત્ર આગળથી લેવાયેલી એક તસવીર અપલોડ કરવાથી કેવાયવી થઈ જશે.
ભારતીય નેશનલ હાઈવે ઓથોરિટીએ સોશિયલ મીડીયા પર મળી રહેલી ફરિયાદો બાદ નિયમોમાં અનેક ફેરફાર કર્યા છે. આ ઉપરાંત હવે વાહન રજીસ્ટ્રેશન પ્રમાણપત્રની કોપી અપલોડ કરવાની જરૂર નહીં રહે. સીસ્ટમ ખુદ જ વાહન પોર્ટલથી આપના વાહનનું આરસી વિવરણ મેળવી લેશે.
વાહન માલિકે માત્ર વાહન નંબર, ચેસીસ નંબર કે મોબાઈલ નંબર નાખવા પડશે. જો એક મોબાઈલ નંબર પર અનેક ગાડીઓ રજીસ્ટર્ડ છે તો આપ પસંદ કરી શકશો કે કયા વાહનનું કેવાયવી કરવાનું છે.
શું છે કેવાયવી
નો યોર વ્હીકલ ભારતીય રાષ્ટ્રીય પેમેન્ટ નિગમ દ્વારા લાગુ કરવામાં આવેલી એક પ્રક્રિયા છે. જેનો ઉદેશ છે કે ફાસ્ટેગ એ વાહન સાથે જોડાયેલ હોય જેના નામ પર તે ઈસ્યુ કરવામાં આવ્યું છે.
ઘણી વાર એક જ ફાસ્ટેગનો અલગ અલગ ગાડીઓમાં ઉપયોગ કરવામાં આવે છે કે ખોટી જાણકારીથી ટેગ ઈસ્યુ કરવામાં આવે છે. આવી ગરબડો પર પુરી રીતે અંકુશ લગાવવાની તૈયારી છે.
એસએમએસ એલર્ટ પણ મળશે
હવે કેવાયવી વેરિફીકેશન માટે વાહન માલિકને એસએમએસ એલર્ટ પણ મળશે જેથી તે સમયસર પ્રક્રિયા પુરી કરી શકે. જરૂરત પડવા પર વાહન માલિક નેશનલ હાઈવે હેલ્પલાઈન નંબર 1033 ખાતે કોલ કરી ફરિયાદ કે સવાલ નોંધાવી શકશે.
તરત નિષ્ક્રીય નહીં થાય
હાલ સુધી કેવાયવી પ્રક્રિયા પુરી ન થવા પર વાહનનું ફાસ્ટેગ નિષ્ક્રીય થઈ રહ્યું હતું. સોશિયલ મીડીયા પર અનેક વાહનચાલકોની આ ફરિયાદ હતી. જેને લઈને આઈએચએમસીએલે કહ્યું છે કે જે વાહનોને કેવાયવી અપડેટ નથી, તેમની ફાસ્ટેગ સેવા તરત બંધ નહી થાય, તેના માટે વાહનચાલકોને પુરતો મોકો મળશે.

