New Delhi,તા.29
બારામતીમાં થયેલા અજિત પવારના પ્લેન ક્રેશની ઘટનામાં ’11’ નંબરના વિચિત્ર સંયોગે સૌને સ્તબ્ધ કરી દીધા છે. અમદાવાદ પ્લેન ક્રેશની ઘટનામાં જે 11 નંબર નસીબદાર સાબિત થયો હતો, તે જ નંબર બારામતીમાં કાળ સાબિત થયો છે. ભારતમાં છેલ્લા સાત મહિનામાં બે મોટી વિમાન દુર્ઘટનાઓ ઘટી છે, જેમાં ’11’ નંબરનો અજીબ સંયોગ જોવા મળ્યો છે. 12 જૂન, 2025ના રોજ અમદાવાદ પ્લેન ક્રેશમાં 241 મુસાફરોએ જીવ ગુમાવ્યા હતા, પરંતુ કુમાર રમેશ નામનો એકમાત્ર મુસાફર ચમત્કારિક રીતે બચી ગયો હતો, કારણ કે તે સીટ નંબર 11A પર બેઠો હતો. જોકે, બારામતીમાં આ જ ’11’ નંબર અમંગળ સાબિત થયો. અજિત પવારનું વિમાન જે એરસ્ટ્રીપ પર ઉતરવાનું હતું તેનો રનવે નંબર 11 હતો. ટેબલટોપ રનવે હોવાને કારણે અહીં લેન્ડિંગ પહેલેથી જ જોખમી હતું અને અંતે આ જ રનવે પર ઉતરાણ પૂર્વે વિમાન કાળનો કોળિયો બની ગયું.
મુંબઈથી સવારે 8:10 વાગ્યે ઉડાન ભર્યા બાદ પ્લેન સતત એટીસી (ATC) ના સંપર્કમાં હતું. દુર્ઘટનાની ઘટનાક્રમ કંઈક આ મુજબ રહી:
સવારે 8:18 વાગ્યે: ઓછી વિઝિબિલિટીને કારણે પાયલોટ લેન્ડિંગ કરી શક્યો નહીં, તેથી એટીસીએ વિમાનને હવામાં એક ચક્કર (Go-around) લગાવવા સૂચના આપી.
સવારે 8:43 વાગ્યે: એટીસીએ ફરીથી પૂછ્યું કે ‘શું રનવે દેખાય છે?’, પાયલોટે સહમતી દર્શાવતા બીજી વાર લેન્ડિંગની મંજૂરી અપાઈ.
સવારે 8:45 વાગ્યે: રનવે નંબર 11 પર લેન્ડિંગની કોશિશ થઈ, પરંતુ વિમાન રનવેથી માત્ર 50 મીટર દૂર 100 ફૂટ ઊંડી ખાઈમાં ખાબક્યું.
સવારે 8:46 વાગ્યે: વિમાનમાં જોરદાર વિસ્ફોટ સાથે આગ લાગી ગઈ. આશ્ચર્યની વાત એ છે કે પાયલોટ તરફથી કોઈ પણ પ્રકારનો ઈમરજન્સી સિગ્નલ કે ‘મે-ડે’ (Mayday) કોલ આપવામાં આવ્યો ન હતો.
બારામતી એરપોર્ટની ભૌગોલિક સ્થિતિ લેન્ડિંગ માટે અત્યંત કઠિન માનવામાં આવે છે. આ રનવે આસપાસના વિસ્તારથી આશરે 20 થી 30 મીટરની ઊંચાઈ પર બનેલી એક નાની એરસ્ટ્રીપ છે. અહીં ILS (Instrument Landing System) રેડિયો લેન્ડિંગ સિસ્ટમની સુવિધા ઉપલબ્ધ નથી. ILS સિસ્ટમ ઓછી વિઝિબિલિટીમાં પણ પાયલોટને ચોકસાઈપૂર્વક લેન્ડિંગમાં મદદ કરે છે, પરંતુ બારામતી જેવા નાના એરપોર્ટ પર પાયલોટે પોતાની સૂઝબૂઝ અને વિઝ્યુઅલ અપ્રોચ પર જ આધાર રાખવો પડે છે, જે આ કિસ્સામાં જીવલેણ સાબિત થયો.
દુર્ઘટનાગ્રસ્ત વિમાન 12 વર્ષ જૂનું ‘બોમ્બાર્ડિયર લિયર જેટ 45’ હતું, જેનું વજન આશરે 10,000 કિલો હતું. વિમાનના પાયલોટ અત્યંત અનુભવી હતા. કેપ્ટન સુમિત કપૂર પાસે 16,000 કલાક અને કો-પાયલોટ શાંભવી પાઠક પાસે 1,500 કલાકનો ફ્લાઈંગ એક્સપિરિયન્સ હતો. આટલા અનુભવી પાયલોટ હોવા છતાં, છેલ્લી ત્રણ મિનિટમાં વિમાનનું સંતુલન કેવી રીતે બગડ્યું તે તપાસનો વિષય છે. સીસીટીવી ફૂટેજમાં દેખાય છે કે વિમાન ત્રણ ટુકડામાં વહેંચાઈ ગયું હતું અને થોડી જ મિનિટોમાં બળીને ખાખ થઈ ગયું હતું. અજિત પવારની ઓળખ તેમના હાથમાં પહેરેલી ઘડિયાળ પરથી કરવામાં આવી હતી.

