એક માસ સુધી રેકી કર્યા બાદ સોમવારે રાત્રે છત પરથી મૃતકના ઘરમાં પ્રવેશ મેળવ્યો’તો
પ્રૌઢા તાબે ન થયાં, રસોડામાંથી છરી લઇ વિકૃત ઢગ્ગાને હાથ-પગમાં ઝીંકી દીધી : ઉશ્કેરાયેલા કાનજીએ છરી આંચકી નર્સને એક ઘામાં પતાવી દીધા
Rajkot,તા.15
શહેરના યુનિવર્સીટી રોડ નજીક આવેલ ઋષિકેશ સોસાયટીમાં ગત સોમવારની મોડી રાત્રે સરકારી કેન્સર હોસ્પિટલના નર્સની કરપીણ હત્યા નીપજાવી દેવામાં આવી હતી. જે મામલે યુનિવર્સીટી પોલીસે આરોપી કાનજી વાંજાને ગણતરીની મિનિટોમાં ઝડપી લઇ હત્યા પાછળનું કારણ જાણવા ચક્રો ગતિમાન કરતા કામાંધ કાનજી બદકામના ઇરાદે છતના ભાગેથી નર્સ ચૌલાબેનને ઘરમાં પ્રવેશ્યો હતો પણ તેઓ તાબે થયાં ન હતા. ચૌલાબેને પ્રતિકાર કરતા રસોડામાંથી છરી લઇ કાનજીને હાથ-પગના ભાગે છરીના ઘા ઝીંકી દીધા હતા. જે બાદ કાનજીએ પ્રૌઢાના હાથમાંથી છરી આંચકી લઇ બે ઘા કર્યા હતા. પહેલો ઘા ચૌલાબેને હાથ આડો રાખતા હાથના ભાગે વાગ્યો હતો જયારે બીજો ઘા છાતીના ભાગે વાગતા ચૌલાબેનને સારવાર મળે તે પૂર્વે જ તેમણે દમ તોડી દેતા બનાવ હત્યામાં પલટાયો હતો.
ગત સોમવારની મોડી રાત્રે ચૌલાબેન પટેલના ઘરની તદ્દન પાછળ એક જ દીવાલે રહેતો કાનજી ભીમાભાઇ વાંજા(ઉ.વ.34) એ તેમના ઘરમાં ઘુસી પ્રથમ ગળું દબાવી અને ત્યારબાદ છરીનો ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યાનો બનાવ સામે આવ્યો હતો. જે ઘટના દરમિયાન ચૌલાબેનના ઘરના નીચેના માળે રહેતા નીલમબેન અને તેમના પતિ પિયુષભાઇને ચૌલાબેનના ઘરમાંથી અવાજ આવતા તેમણે ચૌલાબેનના નામની બુમ પાડતા તેમના ઘરમાથી પ્રથમ કાનજી વાંજા બહાર નીકળ્યો હતો અને છત પરથી પાછળના ભાગે પોતાના ઘરમાં કૂદી ગયો હતો. જે બાદ ચૌલાબેન લોહીલુહાણ હાલતમાં બહાર આવ્યા હતા અને પાણી માંગ્યું હતું. જેની ગણતરીની ક્ષણમાં તેઓ ત્યાં જ ઢળી પડ્યા હતા. દરમિયાન કોઈકે 108 એમ્બયુલન્સને ફોન કરતા તબીબી કર્મચારીઓ દોડી આવ્યા હતા પણ પ્રૌઢાને સારવાર મળે તે પૂર્વે જ તેમણે દમ તોડી દીધો હતો. બીજી બાજુ યુનિવર્સીટી પોલીસને જાણ થતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને ચૌલાબેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાનજી વાંજાને તેના ઘરના બાથરૂમમાંથી અટકાયતમાં લઇ હત્યા પાછળનું કારણ જાણવા તજવીજ હાથ ધરી હતી.
દરમિયાન યુનિવર્સીટી પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ કરતા અનેક ખુલાસા થયાં હતા. કાનજી વાંજા છેલ્લા એક માસથી પ્રૌઢાની રેકી કરી રહ્યો હતો અને આરોપીએ ચૌલાબેનનો નોકરી પર જવાનાં સમયથી માંડી પરત આવવા સહીતની તમામ બાબતોની વિગતો મેળવી લીધી હતી. બાદમાં ગત સોમવારે રાત્રે 12 વાગ્યાં આસપાસ પોતાના ઘરની છત પરથી કૂદી ચૌલાબેનની બાલ્કનીમાં થઇ ઘરમાં પ્રવેશ મેળવ્યો હતો. બદકામના ઇરાદે ઘૂસેલા કાનજીને જોઈ પ્રૌઢા ચોંકી ઉઠ્યા હતા. દરમિયાન કાનજીએ મૃતકને તાબે કરવા પ્રયત્નો કરતા પ્રૌઢાએ પ્રતિકાર કરી રસોડામાંથી છરી લઇ કાનજીને હાથ-પગના ભાગે ઝીંકી દીધી હતી. બદકામના ઇરાદે ઘૂસેલો કામાંધ કાનજી તેના ઈરાદામાં સફળ નહિ થતાં ઉશ્કેરાયને ચૌલાબેનના હાથમાંથી છરી આંચકી લઇ ઘા કરતા ચૌલાબેને હાથ આડો રાખી દેતા એક ઘા હાથના ભાગે વાગ્યો હતો. જયારે બીજો ઘા કાનજીએ છતીના ભાગે ઝીંકતા ચૌલાબેન લોહી લુહાણ થઇ ગયા હતા. બાદમાં દેકારો થતાં કાનજી ફરીવાર છત પરથી પોતાના ઘરમાં કૂદી ગયો હતો.