પોસ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં એનેસ્થેસિયાના ઇન્જેક્શનથી મૃત્યુ થયાનું કારણ દર્શાવાયું
Jamnagar તા.૩૧
જામનગરમાં આવેલી એક ખાનગી હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં ફરજ પરની એક સ્ટાફ નર્સ બેભાન અવસ્થામાં મળી આવી હતી. તબીબે તપાસ કરતાં તેણીને મૃત જાહેર કરી હતી. પ્રાથમિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ, યુવતીનું મૃત્યુ એનેસ્થેસિયાના ઇન્જેક્શનના વધુ પડતા ડોઝને કારણે થયું હોવાનું સામે આવ્યું છે. જોકે, આ ઘટના આપઘાતની હોવાની શંકા પણ વ્યક્ત થઈ રહી છે, જેને પગલે પોલીસે તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે.આ ઘટના વાલ્કેશ્વરી નગરી વિસ્તારમાં આવેલી કેશવ વુમન્સ હોસ્પિટલમાં બની હતી. મૃતક નર્સનું નામ કોમલ ભીમાણી છે અને તેમની ઉંમર ૨૮ વર્ષ હતી. તેઓ મૂળ જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના તરસિંગડા ગામના વતની હતા.ગઈકાલે બપોરે કોમલબેન હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં જમીન પર બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. તેમની સાથે ફરજ બજાવતી અન્ય નર્સિંગ સ્ટાફ યુવતીએ હોસ્પિટલના ડોક્ટર પૂનમ કોડીનારિયાને જાણ કરી હતી. ડોક્ટર કોડીનારિયા હોસ્પિટલ પહોંચ્યા અને અન્ય ખાનગી તબીબોને બોલાવી સારવાર આપવાની તૈયારી કરી, પરંતુ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પોસ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં એનેસ્થેસિયાના ઇન્જેક્શનથી મૃત્યુ થયાનું કારણ દર્શાવાયું છે. પોલીસ આ ઘટનાને આપઘાત તરીકે જોઈ રહી છે, પરંતુ આત્મહત્યાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી. આત્મહત્યાની આશંકાને કારણે મૃતકના વિસરાને પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલાયા છે.




