New Delhi તા.6
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયા દ્વારા આજે વ્યાજદર અંગેની બેઠકના અંતે પત્રકારો સાથેની વાતચીતમાં બેન્કના ગવર્નર સંજય મલ્હોત્રાએ અનેક ગ્રાહક સંબંધીત માહિતી પણ જાહેર કરી હતી અને ખાસ કરીને તેઓએ જણાવ્યું કે પ્રધાનમંત્રી જનધન યોજનાને 10 વર્ષ પુરા થઈ રહ્યા છે અને તેથી જનધન ખાતાઓનું કેવાયસી ફરી કરાવવાનું રહેશે. પરંતુ બેન્કો દ્વારા આ અંગે ખાસ વ્યવસ્થા કરવામાં આવશે.
બેન્ક દરેક પંચાયત સ્તરે તા.30 સપ્ટેમ્બર સુધી ખાસ કેમ્પ યોજશે અને તેમાં ગ્રાહકોને તેના કેવાયસી પ્રક્રિયા જે ફરી કરવાની છે તેમાં સહાયતા કરશે. બેન્ક કર્મચારીઓ આ માટે જરૂરી માહિતી અને સેવાઓ પણ આપશે તથા ગ્રાહકોને માઈક્રો ઈુસ્યુરન્સ, પેન્શન સ્કીમ અને તેની અન્ય કોઈ ફરિયાદો હશે તો તે પણ સાંભળશે અને તેનો નિકાલ કરવાની પણ ચિંતા કરશે. આ ઉપરાંત બેન્કો પાસે અનકલેઈમ ડિપોઝીટો અને બંધ લોકરોની સમસ્યા વધતી જાય છે.
ખાતેદારના મૃત્યુ પછી તેમના કુટુંબીજનોને આ પ્રકારના ખાતાઓની કે બેન્ક લોકરની જાણ ન હોય કે અન્ય કારણોસર તેઓ દાવો કરતા નથી અથવા તો લાંબી પ્રક્રિયામાં તેમને જવું પડે છે આથી બેન્કો હવે આ માટે અત્યંત સરળ પ્રક્રિયા અપનાવશે.
જે અંગેનું એક સમાન તમામ બેન્કો માટેની પ્રક્રિયા આરબીઆઈ નિશ્ચિત કરશે અને તેથી તેમના કલેઈમ અંગે પણ મુશ્કેલીઓ નડશે નહી. આ ઉપરાંત આરબીઆઈએ જાહેર કર્યુ કે સરકારી સિકયુરીટીમાં સામાન્ય વ્યક્તિઓ રોકાણ કરી શકે તે માટે એક રીટેઈલ ડાયરેકટ પ્લેટફોર્મ પણ ઉભુ કરવામાં આવશે જે અત્યંત સરળ રીતે વ્યક્તિગત રોકાણકારોને સુવિધા આપશે.