Islamabad,તા.૮
પાકિસ્તાનની જેલમાં બંધ ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાને દેશના સ્વતંત્રતા દિવસ (૧૪ ઓગસ્ટ) પર વધુ એક મોટા વિરોધ પ્રદર્શનનું આહ્વાન કર્યું છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે તેઓ “લૂંટારાઓ અને મૂર્ખોના જોડાણ” સામે ક્યારેય ઝૂકશે નહીં. તેમનો ઈશારો સ્પષ્ટપણે વડા પ્રધાન શાહબાઝ શરીફના નેતૃત્વ હેઠળના શાસક ગઠબંધન તરફ હતો.
૭૨ વર્ષીય ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફે ૫ ઓગસ્ટના રોજ ’ફ્રી ઈમરાન ખાન મુવમેન્ટ’ હેઠળ દેશવ્યાપી પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન, પાર્ટીના ૧,૦૦૦ થી વધુ નેતાઓ અને કાર્યકરોની ધરપકડ કરવામાં આવી હતી. ભ્રષ્ટાચારના કેસમાં કોર્ટે દોષિત ઠેરવ્યા બાદ ઈમરાન ખાનને ૫ ઓગસ્ટ, ૨૦૨૩ ના રોજ લાહોર સ્થિત તેમના નિવાસસ્થાનેથી ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી તેમને અન્ય ઘણા કેસોમાં દોષિત ઠેરવવામાં આવ્યા હોવાથી જેલમાં રાખવામાં આવ્યા છે.
ખાને તેમના ’એકસ’ એકાઉન્ટ પર એક સંદેશ શેર કર્યો, જેમાં કહ્યું, “આપણી આગામી નિર્ણાયક ક્ષણ ૧૪ ઓગસ્ટ છે. તે દિવસ જ્યારે આપણા પૂર્વજોએ આ ભૂમિને બ્રિટિશ શાસનથી મુક્ત કરી હતી. પરંતુ આપણે હજુ સુધી સાચી સ્વતંત્રતા પ્રાપ્ત કરી નથી. જ્યાં સુધી બંધારણ અને કાયદાનું શાસન પુનઃસ્થાપિત ન થાય ત્યાં સુધી આપણે પોતાને એક સ્વતંત્ર રાષ્ટ્ર કહી શકીએ નહીં.” ફાસીવાદ સામે અવાજ ઉઠાવવાનું આહ્વાન
ઇમરાને કહ્યું, “આ સ્વતંત્રતા દિવસે, આખા રાષ્ટ્રે એક થઈને આપણા દેશમાં ફેલાઈ રહેલા ફાસીવાદ સામે અવાજ ઉઠાવવો જોઈએ.” ખાનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે તેમના સમર્થકો સરકાર અને સેના સામે અવાજ ઉઠાવી રહ્યા છે.હજુ પણ દાવો કરે છે કે રાજકીય બદલાના ભાગ રૂપે ખાનને નિશાન બનાવવામાં આવ્યા છે.