Bhavnagar,તા.27
ભાવનગર જિલ્લામાં અષાઢ માસના આરંભે આઠ તાલુકામાં ઝરમરથી લઈ દોઢ ઈંચ સુધી અમૃત વર્ષા થઈ હતી. બોટાદ જિલ્લાના ત્રણ તાલુકામાં પણ મેઘરાજાએ અષાઢના આરંભનું મુહૂર્ત સાચવ્યું હતું. બન્ને જિલ્લાના ડેમ વિસ્તારમાં પા ઈંચથી લઈ દોઢ ઈંચ સુધી વરસાદ ખાબક્યો હતો.
ભાવનગર જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં આજે સવારથી જ મેઘાવી માહોલ જોવા મળ્યો હતો. ભાવનગર શહેરમાં સવારથી બપોર સુધી છાંટા વરસતા અનેક વિસ્તારમાં કાદવ-કીચડનું સામ્રાજ્ય સર્જાયું હતું. બપોરે ૧૦થી ૧૫ મિનિટ સુધી ધોધમાર સાત મિ.મી. પાણી વરસી જતાં રસ્તાઓ પરની ગંદકી ધોવાઈ જતાં માર્ગો સ્વચ્છ થયા હતા. સાંજના સમયે ઉઘાડ નીકળતા સૂર્યનારાયણના દર્શન થયા હતા. આખો દિવસ રહેલા વરસાદી માહોલના કારણે મહત્તમ તાપમાન ૨.૭ ડિગ્રી ઘટીને ૩૦.૧ ડિગ્રીએ પહોંચી ગયું હતું. આવતીકાલે શહેરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું પરિભ્રમણ થવાનું હોય, તેમાં પણ વરસાદનું વિઘ્ન રહેવાની શક્યતાઓ સેવાઈ રહી છે.