Morbi, તા.26
મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ ઢુવા ગામ પાસેથી સ્વિફ્ટ ગાડી પસાર થઈ રહી હતી ત્યારે તે ગાડીને સ્થાનિક પોલીસ દ્વારા ચેક કરવામાં આવી હતી ત્યારે તે ગાડીમાંથી દેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે 400 લીટર દેશી દારૂ તથા વાહન મળીને કુલ 5.90 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે અને એક આરોપીની ધરપકડ કરી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ત્રણ શખ્સોની સામે ગુનો નોંધ્યો છે.
વાંકાનેર તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વાંકાનેર બાઉન્ડ્રી તરફથી મોરબી બાજુ સ્વિફ્ટ ગાડી નંબર જીજે 13 એએક્સ 3932 પસાર થઈ રહી હતી જે ગાડીને હોટલ ગેલભવાની સામે પોલીસ દ્વારા રોકવામાં આવી હતી અને ગાડીને ચેક કરવામાં આવતા તેમાંથી 400 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે ધર્મેશભાઈ રમેશભાઈ મેટાળીયા રહે. પાંચવડા ચોરાની બાજુમાં ચોટીલા વાળાની ધરપકડ કરી હતી અને હાલમાં દારૂ તથા વાહન મળીને 5.90 લાખ રૂપિયાની કિંમતમાં મુદ્દામાલ કબજે કર્યો છે.
પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન દારૂ મંગાવનાર તરીકે રવિભાઈ ઉર્ફે માસ રહે. મોરબી અને દારૂ મોકલનાર તરીકે વિજયભાઈ ઉર્ફે ભૂરો વાલજીભાઈ માલકીયા રહે. રેશમિયા તાલુકો ચોટીલા વાળાનું નામ સામે આવ્યું છે જેથી કરીને ત્રણેય શખ્સોની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે અને બાકીના બે આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.

