Jamnagar,તા. 23
જામનગર ના દિગ્જામ માર્ગ પર મહાકાળી સર્કલ પાસે ગત રવિવારે સાંજે એક સ્કૂટરને પાછળ થી બોલેરો ચાલકે ઠોકર મારતા સ્કૂટર પર જઈ રહેલા એક મહિલા તથા તેમના બે બાળકો ફંગોળાયા હતા. જેમાં ત્રણેય ઈજાગ્રસ્ત ને સારવારમાં ખસેડાયા હતા જ્યાં સારવાર દરમ્યાન એક બાળક નું મૃત્યુ નીપજયું છે. આ બનાવ અંગે બોલેરો ચાલક સામે પોલીસ માં ફરિયાદ નોંધાવાઇ છે.
જામનગર ના હવાઈચોક વિસ્તારમાં આવેલા રિદ્ધિ એપાર્ટમેન્ટમાં રહેતા ડિમ્પલબેન પારસભાઈ નાકર નામના વિપ્ર મહિલા એક્સેસ સ્કૂટરમાં પોતાના બે પુત્ર ધૈર્ય અને ભવ્ય સાથે પિતાના ઘેર મહાદેવનગરમાં ગયા હતા. ત્યાં થી આઠેક વાગ્યે પરત હવાઈચોક આવવા માટે આ મહિલા નીકળ્યા ત્યારે મહાકાળી સર્કલ પાસે એંસી ફૂટ રીંગરોડ પર એક સ્પીડબ્રેકરમાં તેઓએ પોતાનું સ્કૂટર ધીમુ પાડ્યું હતું. આ સમયે જીજે-૩૯-ટી ૯૧૩૯ નંબર ની બોલેરો પુરપાટ ઝડપે પાછળ થી આવી હતી, અને તેણે સ્કૂટરને હડફેટ માં લેતા અકસ્માત થયો હતો. જેમાં ડિમ્પલબેન તથા ભવ્ય અને ધૈર્ય ફંગોળાઈ ગયા હતા. આ અકસ્માતમાં ભવ્ય ( ઉ . વ ૬) ને ગંભીર ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ માં લઈ જવાયો હતો . જ્યાં તેનું સારવાર માં મૃત્યુ થયું હતું.જ્યારે અકસ્માત સર્જી નાસી છૂટેલા બોલેરો ચાલક સામે પોલીસ માં ફરિયાદ નોંધાવવામાં આવી છે.