રૂ. ૪ લાખનું વળતર ફરિયાદીને ચૂકવવા હુકમ કર્યો
Rajkot,તા.07
ગ્રાહક પાસેથી ઉછીના લીધેલા રૂપિયા ચાર લાખ પરત કરવાનો ચેક રિટર્ન થવાના કેસમાં અદાલતે આરોપી મોરબી રોડ વિસ્તારના વેપારીને એક વર્ષની સજા અને ચેકની રકમ વળતર સ્વરૂપે ફરિયાદીને ચૂકવી દેવા હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ, રાજકોટના મોરબી રોડ, પંચવટી ટાઉનશિપમાં હરિઓમ શોપિંગ સેન્ટરમાં દુકાન ધરાવતા ચંદ્રેશ પરબતભાઈ ચોવટિયાએ ગ્રાહક તરીકે સંબંધ ધરાવતા લવજી ટપુભાઈ રૈયાણી પાસેથી ધંધા માટે રૂપિયા ૪ લાખ પુરા હાથ ઉછીના લીધા હતા, ત્યારબાદ લવજીભાઈએ રકમ પરત માગતા વેપારી ચંદ્રેશ ચોવટીયાએ તેની બેંકનો ચેક આપેલ હતો, જે ચેક પરત ફરતા લવજીભાઈએ લીગલ નોટિસ આપ્યા બાદ ચંદ્રેશ ચોવટીયા સામે લીગલ નોટીસ આપ્યા બાદ કોર્ટમાં ચેક રિટર્નનો કેસ દાખલ કર્યો હતો.આ કેસ ચાલતા દરમ્યાન ફરિયાદી તરફે બેંક સ્ટેટમેન્ટ, રિટર્ન રજુ રાખેલા હતા. તેમજ કોર્ટ દ્વારા એવું અવલોકન કરવામાં આવેલ કે રકમની લેતી-દેતી વખત કોઈ લખાણની જરૂરત નથી તેમજ ફરિયાદી પોતાનો કેસ દસ્તાવેજી પુરાવા દ્વારા નિ:શંક સાબિત કરેલ છે. તેમજ ફરિયાદી પક્ષે રજુ કરેલા સુપ્રીમ કોર્ટના તથા હાઈકોર્ટના જજમેન્ટ ધ્યાને લઈ અદાલતે વેપારી ચંદ્રેશ ચોવટીયાને એક વર્ષની સજા અને રૂ. ૪ લાખ વળતર ફરિયાદીને ચૂકવવાનો હુકમ કરેલ છે. આ કેસમાં ફરિયાદી વતી એડવોકેટ યોગેશ ઉદાણી, દેવાંગી ઉદાણી, સોનલ ઉદાણી રોકાયા હતા.