Rajkot,તા.04
ડુંગળીના ભાવ આ વર્ષે ખેડૂતોની આંખમાં આંસુ લે તેવા નીચા રહ્યા છે ત્યારે સરકારે ખેડૂત દીઠ રૂ. 250 ક્વિન્ટલની મર્યાદામાં પરંતુ, ક્વિન્ટલ દીઠ માત્ર રૂ. 2.00 એટલે કે કિલોએ રૂ. 2ની સહાય કરવાની પ્રાઈઝ ડેફિસિયન્સી પેમેન્ટ યોજના જાહેર કરી છે ત્યારે બીજી તરફ રાજકોટ યાર્ડમાં ટનબંધ ડુંગળી પ્રતિ મણ ન્યુનત્તમ રૂ. 40થી 80 એટલે કે રૂ. 2થી 4ના કિલો લેખે વેચાઈ છે તેમને કિલો દીઠ મહત્તમ રૂ. 2 લેખે સહાય ચૂકવાશે.
રાજકોટ યાર્ડે આજે જારી કરેલા પરિપત્ર અનુસાર ડુંગળી સહાય માટે ગત માર્ચ અને એપ્રિલ માસમાં ડુંગળી વેચનારા ખેડૂતોએ સહાય મેળવવા તા. 1થી તા. 15 જૂલાઈ સુધીમાં દસ્તાવેજી કાગળો સાથે ઓનલાઈન અરજી કરવાની રહેશે જેમાં 7-12, 8-અ દાખલા,તલાટી મંત્રીનો દાખલો, યાર્ડમાં એન્ટ્રીની પુરાવો, હરાજી રજીસ્ટર, કબાલા બીલ, આધાર નંબર લિંક હોય તેવી પાસબૂકની નકલ વગેરે મંગાયા છે. યાર્ડમાં આશરે 1200 ખેડૂતોએ ડુંગળી વેચી છે પરંતુ, તેમાં જેઓએ 7-12 વગેરે દાખલા જેમના નામે ન હોય તેમના નામે વેચાણ કર્યું હોય તેમને સહાય મળશે નહીં. ઉપરાંત નાના ખેડૂતો કે જેમનું વેચાણ જ ઓછુ હોય છે તેમને ન્યુનત્તમ અમુક રકમની સહાયનું કોઈ ધોરણ નથી. યાર્ડના સૂત્રા અનુસાર લાલડુંગળીની એમઆઈપી (માર્કેટ ઈન્ટરવેન્શન પ્રાઈઝ) રૂ. 9.16 પ્રતિ કિલો છે જ્યારે સફેદ ડુંગળીની કિંમત રૂ.7.85 પ્રતિ કિલો છે. અર્થાત્ આનાથી વધુ ભાવે ડુંગળી વેચનાર સહાયને પાત્ર નથી. આનાથી ઓછા ભાવે ડુંગળી વેચનારને મહત્તમ રૂ. 2ની સહાય નક્કી થઈ છે, અર્થાત્ બે-ત્રણ રૂ.ની કિલો ડુંગળી વેચનારને એમઆઈપી જેટલી સહાય નહીં મળે.