Mumbai, તા.9
ઓપન AI ની હવે સિનેમા જગતમાં પણ એન્ટ્રી થઈ રહી છે. તેઓ AI એનિમેટેડ ફીચર ફિલ્મ `ક્રિટર્સ’ પર કામ કરી રહ્યાં છે. આ ફિલ્મને દુનિયાભરમાં 2026માં રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મમાં OpenAIના ટૂલ્સ અને કોમ્પ્યુટિંગ રિસોર્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેથી ફિલ્મના પ્રોડકશનને ખૂબ જ જલદીથી પૂરું કરી શકાય.
આ કોલાબોરેશન દ્વારા દુનિયાને દેખાડવામાં આવશે કે AIના ઉપયોગથી સમય અને પૈસા બન્નેનો ખૂબ જ બચાવ કરી શકાય છે. AI આવ્યું ત્યારથી રાઇટર્સ અને અન્ય વ્યક્તિઓમાં ડરનો માહોલ હતો. જોકે હવે OpenAl પ્રોડકશનમાં ઝંપલાવી રહ્યું હોવાથી ઘણાં લોકોની નોકરી પર જોખમ આવી જશે.
મોટા ભાગે એનિમેટેડ ફિલ્મ બનાવવા માટે ખૂબ જ વધુ સમય જોઈએ છે. સતત ફિલ્મ પર કામ કરવામાં આવે તો પણ એક ફિલ્મને બનતા ત્રણ વર્ષ લાગે છે. જોકે OpenAI દ્વારા `ક્રિટર્સ’ને ફક્ત નવ મહિનામાં બનાવી દેવામાં આવી છે. તેમજ આ ફિલ્મનું બજેટ 30 મિલિયન અમેરિકન ડોલરથી પણ ઓછું છે. મોટાભાગની મોટી એનિમેટેડ ફિલ્મો કરતાં આ ખૂબ જ ઓછું છે.
2023માં `ક્રિટર્સ’ નામની એક શોર્ટ ફિલ્મ આવી હતી. આ ફિલ્મને ચેડ નેલ્સન દ્વારા ડિરેક્ટ કરવામાં આવી હતી. OpenAlના DALL-E અને ટ્રેડિશનલ એનિમેશન સાથે મળીને આ ફિલ્મ બનાવવામાં આવી હતી.
એને એનેસી, ટ્રાયબેકા અને કેનલ લાયન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં દેખાડવામાં આવી હતી. આ ફિલ્મને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હોવાથી પ્રોડયુસર્સ દ્વારા એને મોટી ફીચર ફિલ્મ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. લંડનની વર્ટિગો ફિલ્મ્સ અને લોસ એન્જેલસની નેટિવ ફોરેન પ્રોડકશન કંપની એના પર સાથે મળીને કામ કરી રહી છે.