Srinagar,તા.30
કાશ્મીરમાં ‘ઓપરેશન મહાદેવ’ અંતર્ગત પહેલગામ હુમલાના જવાબદાર ત્રણ ત્રાસવાદીઓ ઠાર મરાયા બાદ સુરક્ષા દળોને મળેલી વધુ એક સફળતાએ ભારતમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા કેટલાક ત્રાસવાદીઓને પડકારતા સર્જાયેલા એન્કાઉન્ટરમાં બે ત્રાસવાદીઓને ઠાર મરાયા છે.
જયારે હજુ આ ક્ષેત્રમાં એન્કાઉન્ટર ચાલુ જ છે. આ અથડામણ જમ્મુ-કાશ્મીરના પુંછ જીલ્લાના કસલીયા ક્ષેત્રમાં ચાલી રહી છે. જેમાં સીમાપારથી કેટલીક શંકાસ્પદ હિલચાલો પર નજર સમયે કેટલાક ત્રાસવાદીઓ ભારતની સીમામાં ઘુસવા પ્રયાસ કરી રહ્યા હોવાનું જણાતા જ તેઓને પડકારવામાં આવ્યા હતા અને એન્કાઉન્ટરમાં બે ત્રાસવાદીને ઠાર મારવામાં સફળતા મળી હતી.
હજુ જંગલક્ષેત્રમાં છુપાયેલા આતંકીઓને શોધવા ઓપરેશન ચાલુ છે. હજુ 36 કલાક પુર્વે જ આ ઓપરેશન હેઠળ પહેલગામ હુમલા માટે જવાબદાર ત્રણ ત્રાસવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા. તે બાદ પાકમાંથી ત્રાસવાદી ઘુસણખોરી માટે લોન્ચીંગ પેડ તૈયાર કરાયા છે.
હજુ અમરનાથ યાત્રા ચાલુ છે તેથી સુરક્ષાદળો આ ક્ષેત્રમાં થતી હીલચાલ પર ખાસ નજર રાખી રહ્યા છે તથા સતત પેટ્રોલીંગ ચાલુ છે અને યાત્રાની સુરક્ષા પણ વધારવામાં આવી છે. હાલ બરફ પીગળ્યો હોવાથી ઘુસણખોરીના અનેક માર્ગો પણ ખુલ્યા છે તેથી સતર્કતા વધારાઈ છે.સલામતીદળોએ કાશ્મીરમાં પહેલગામ હુમલાના ત્રાસવાદીઓને ખતમ કરવા ઓપરેશન મહાદેવ સફળ બનાવ્યા બાદ હવે કાશ્મીરમાં ઘુસણખોરી સામે ઓપરેશન શિવશક્તિ ચાલુ કર્યુ છે. જેમાં પ્રારંભમાં જ સફળતામાં બે ત્રાસવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા.
આ ઓપરેશન સેનાની વ્હાઈટ નાઈટ કોર્પ્સ જે ભારતીય સુરક્ષા દળની 16મી કોર્પ્સમાંથી ખાસ તૈયાર કરાયું છે અને તેનું હેડકવાટર જમ્મુ અને કાશ્મીરના નાગરોટામાં ઉભુ કરાયુ છે તે અત્યંત ચપળતાપૂર્વક અને સચોટ રીતે ઘુસણખોરી સામે કામ કરવા માટે જાણીતુ બન્યુ છે અને તેના દ્વારા ગઈકાલે જ આ ઓપરેશન કરવામાં આવ્યું હતું.