New Delhi તા.5
પહેલગામ હુમલા બાદ ભારતે પાકમાં કાર્યરત ત્રાસવાદી મથકો પર કરેલી સૈન્ય કાર્યવાહી અને પાકને પણ આપેલા આકરા જવાબ- ઓપરેશન સિંદુર- બદલ આજે એનડીએની સંસદીયદળની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સન્માન કરવામાં આવ્યું હતું તથા બાદમાં ઓપરેશન મહાદેવ જેમાં પહેલગામના હુમલાખોર ત્રાસવાદીઓમાં ત્રણને માથામાં ગોળી મારી ઠાર મરાયા તે બદલ પણ ખાસ પ્રસ્તાવ પસાર કરીને અભિનંદન આપવામાં આવ્યા હતા.
બાદમાં અહી ઉપસ્થિત એનડીએના સાંસદોએ હરહર મહાદેવના નારા લગાવીને સભાખંડમાં એક જુસ્સાભેરનું વાતાવરણ સર્જયુ હતું. એક તરફ ભારત-ટેરીફ મોરચે હવે અમેરિકાને પડકારી રહ્યું છે અને તેમાં પણ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ નેતૃત્વ લીધુ છે તે સમયે ઓપરેશન સિંદુરની સફળતાથી વિશ્વભરમાં ભારતની પ્રતિષ્ઠા વધી છે.
શ્રી મોદી આજે એનડીએની સંસદીય દળની બેઠકમાં આવતા જ તાળીઓના ગડગડાટથી સૌએ વડાપ્રધાનને ઉભા થઈને માન આપ્યુ હતું. આ સમયે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, સંરક્ષણ મંત્રી રાજનાથસિંઘ, ગૃહમંત્રી શ્રી અમિત શાહે શ્રી મોદીને હાર પહેરાવીને સ્વાગત કર્યુ હતું.
આજની આ બેઠકને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ સંબોધન પણ કર્યુ હતું તથા આતંકવાદ મુદે સરકાર પ્રતિબદ્ધ હોવાનું જણાવતા કહ્યું હતું કે આપણી બહેનના સિંદુર ભૂંસનારના માથામાં ગોળી મારીને બદલો લેવાયો છે અને ઓપરેશન સિંદુર હજુ ચાલુ જ છે.
દુનિયાએ ભારતના આ નિર્ણાયક વલણને સમર્થન આપ્યુ છે. વડાપ્રધાન મોદીએ પહેલગામ હુમલામાં જે લોકો ત્રાસવાદી ગોળીનો શિકાર બન્યા તેમના પ્રત્યે શોક દર્શાવીને પરિવાર પ્રત્યે સાંત્વનાનો પ્રસ્તાવ પસાર કરાયો. આજે આ બેઠકમાં હાલમાં જ રાજયસભામાં ચુંટાયેલા નવા સભ્યોનો પરિચય પણ કરાવાયો હતો.