મહાપાલિકાના હોલ ખાતે આજે સોમવારે સાંજે સાધારણ સભા મેયરના અધ્યક્ષ સ્થાને મળી હતી. સાધારણ સભામાં પ્રથમ પ્રશ્નોત્તરીકાળ દરમિયાન ખાનગી માલિકીની જગ્યામાં હોર્ડીંગ્સ પાસે કેટલો વેરો કે ચાર્જ લેવામાં આવે છે તે અંગે થોડીવાર ચર્ચા થઈ હતી. ત્યારબાદ બોરતળાવની ડુબની જમીનના દબાણ અંગેના સવાલ કોંગ્રેસના નગરસેવક જયદિપસિંહ ગોહિલે કર્યા હતાં. બોરતળાવની ડુબની જમીનમાં કોના ગેરકાયદે દબાણ છે તે અંગે અધિકારીએ માહિતી આપી હતી. અધિકારીએ જણાવ્યુ હતુ કે, ડુબની જમીન જે તે લોકોની માલિકીની છે પરંતુ તેઓ ડુબની જમીનમાં બાંધકામ કરી શકતા નથી અને તેઓએ નિયમ મુજબ જગ્યા છોડવાની હોય છે તેથી તમામને નોટિસ આપી આધાર-પુરાવા મંગાવવામાં આવ્યા છે. તપાસ બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે.
કોંગ્રેસ નગરસેવકે જણાવ્યુ હતુ કે, બોરતળાવ ડુબની જમીનમાં વર્ષોથી ગેરકાયદે દબાણ છે અને ધંધા પણ કરવામાં આવી રહ્યા છે છતાં માત્ર નોટિસ આપી સંતોષ માનવામાં આવી રહ્યો છે. કાગળ પર કામગીરી કરવામાં આવે છે પરંતુ દબાણ દૂર કરવામાં આવતા નથી. નાના માણસોના મકાન, લારી-ગલ્લા હટાવવામાં મહાપાલિકા તત્કાલ પગલા લે છે પરંતુ મોટા દબાણ દૂર કરવામાં ઠાગાઠૈયા કરવામાં આવી રહ્યા છે. એકને ગોળ અને એકને ખોળની બેવડી નીતિ બંધ કરવી જોઈએ. આ મામલે ભાજપના નગરસેવક અને ચેરમેન રાજુ રાબડીયા, ઉપેન્દ્રસિંહ ચુડાસમા, ધીરૂ ધામેલીયા વગેરેએ પણ નિયમ મુજબ માપણી કરી બોરતળાવના દબાણ દૂર કરવા સૂચન કર્યુ હતું. સાધારણ સભામાં જુદા જુદા કામના પ્રશ્ને સમીક્ષા થઈ હતી અને ત્યારબાદ સાધારણ સભામાં રહેણાંકીય લીઝપટ્ટા, કરાર આધારીત નિમણુંક, રોડના નામકરણ સહિતના ૧૮ ઠરાવને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી. તાજેતરમાં વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ લોકોને શ્રધ્ધાંજલી આપતો ઠરાવ અધ્યક્ષ સ્થાનેથી કરાયો હતો.
ભાવનગર શહેરમાં બોરતળાવની ડુબની જમીનમાં વર્ષોથી ગેરકાયદે દબાણ છે અને આ મામલે વારંવાર કોંગ્રેસ નગરસેવકો સવાલ ઉઠાવે છે તેમજ ભાજપ પર આક્ષેપો કરે છે છતાં ગેરકાયદે દબાણ દૂર કરવામાં આવતા નથી. આજે સોમવારે સાધારણ સભામાં ભાજપના નગરસેવકોએ પણ બોરતળાવના દબાણ દૂર કરવા સહમતી આપી છે અને દબાણ દૂર કરવામાં તંત્રને કોઈ રોકતુ નથી તેમ જણાવ્યુ છે તો પછી મહાપાલિકાના અધિકારીઓ કેમ દબાણ દૂર કરતા નથી. ભાજપની સહમતી છે ત્યારે મહાપાલિકાના અધિકારીઓએ કોઈની શરમ રાખ્યા વિના બોરતળાવના દબાણ કરવા જોઈએ તેમ લોકમુખે ચર્ચાય રહ્યુ છે.
બોરતળાવ ડુબની જમીનની ચર્ચા દરમિયાન સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેને અન્ય દબાણનું કેમ નથી બોલતા તેમ કહી બોરતળાવ પાસે આવેલ મફતનગરના દબાણ તરફ ઇશારો કર્યો હતો, જેના પગલે ભાજપના નગરસેવક અશોક બારૈયા ગુસ્સે થયા હતા અને જે વાત ચાલે છે તે ચાલુ રાખો તેમ જણાવ્યુ હતું. કોંગ્રેસ નગરસેવકે જણાવ્યુ હતુ કે, મફતનગર કાયદેસર છે અને ત્યાં ગરીબ માણસો રહે છે, જયારે બોરતળાવની ડુબની જમીનમાં ગેરકાયદે દબાણ છે છતાં હટાવાતા નથી. મફતનગરના લોકો ભાજપ-કોંગ્રેસના નગરસેવકોને મત આપે છે તેથી બંને નગરસેવકો બોલ્યા હોવાનુ સભામાં ચર્ચાય રહ્યુ હતું.
ભાવનગર શહેરના બોરતળાવ પાસે આવેલ ઈસ્કોન કલબનુ લાઈટ હાઉસ કાયદેસર છે ?, બોરતળાવનો પાળો દેખાતો નથી વગેરે સવાલ કોંગ્રેસના નગરસેવક ભરત બુધેલીયાએ ઉઠાવ્યા હતા અને તપાસ કરી પગલા લેવા સૂચન કર્યુ હતું. ઈસ્કોન કલબે પાર્ટી પ્લોટ બનાવ્યો છે અને બોરતળાવનો પાળો દેખાતો નથી ત્યારે તત્કાલ તપાસ કરી બોરતળાવના નવા-જુના દબાણ હટાવવા ભાજપના નગરસેવક ધીરૂ ધામેલીયાએ જણાવ્યુ હતું.
ભાવનગર મહાપાલિકાના ઓડીટ વિભાગના ચીફ ઓડીટર તરીકે ફરજ બજાવતા અલ્કેશ પટેલ વય મર્યાદાના કારણે ગત તા. ૩૦ જૂન-ર૦ર૪ ના રોજ નિવૃત્ત થતા ઓડીટ વિભાગમાં જગ્યા પર બઢતી આપવાપાત્ર કોઈ અધિકારી-કર્મચારી ઉપલબ્ધ ન હોવાથી નિવૃત્ત અધિકારીને ફરીથી ૬ માસ માટે માસીક રૂા. ૪૬,૩પ૦ ફિક્સ પગારથી નિમણૂંક આપવા સાધારણ સભામાં નિર્ણય કરાયો છે. પદાધિકારીઓના માનીતા અધિકારીને કરાર આધારિત લેવા માટે ખાલી જગ્યા પર ભરતી કરવામાં આવતી નથી ત્યારે વિપક્ષના નેતા જીતુ સોલંકીએ ચીફ ઓડીટરની ભરતી કરવા માંગણી કરી હતી. ઉલ્લેખનીય છે કે, સરકારની મંજૂરી વગર મહાપાલિકામાં નિવૃત્ત કર્મચારીઓને વારંવાર કરાર આધારિત લેવામાં આવે છે પરંતુ લાયક કર્મચારીઓને બઢતી આપવામાં આવતી નથી અને બદલીના નિયમનું પણ પાલન કરવામાં આવતુ નથી, જેના કારણે કર્મચારીઓમાં નારાજગી જોવા મળી રહી છે.