New Delhi,તા.18
બિહાર SIR માં ગેરરીતિ તેમજ વોટ ચોરીના આરોપો સાથે વિપક્ષ હવે મુખ્ય ચૂંટણી કમિશનર વિરૂદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવવાની વિચારણા કરી રહ્યું છે. વિપક્ષના વિવિધ પક્ષો આ મામલે ચર્ચા કરી રહ્યા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. વિપક્ષ ટૂંક સમયમાં સંસદ ગૃહમાં ચીફ ઈલેક્શન કમિશનર જ્ઞાનેશ કુમાર વિરૂદ્ધ મહાભિયોગની નોટિસ રજૂ કરી શકે છે.બિહાર વિધાનસભા ચૂંટણીના ચાર મહિના પહેલાં ચૂંટણી પંચ દ્વારા રાજ્યની મતદારોની યાદીનું વિશેષ ગહન નિરીક્ષણ (SIR) હાથ ધરાયુ હતું. જેનો વિપક્ષ વિરોધ કરી રહ્યું છે. આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. સુપ્રીમ કોર્ટે આ મામલે સુનાવણી હાથ ધરતાં ચૂંટણી પંચને આદેશ આપ્યો છે કે, તે બિહાર મતદારોની યાદીમાંથી દૂર કરવામાં આવેલા 65 લાખ નામોની યાદી કારણ સાથે જાહેર કરે. સુપ્રીમ કોર્ટે આ યાદી 19 ઓગસ્ટ સુધી જાહેર કરવાનું અલ્ટીમેટમ આપ્યું છે.
વિપક્ષ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નેતૃત્વ હેઠળ યોજાયેલી બેઠકમાં I.N.D.I.A ગઠબંધનના નેતાઓ આ મામલે નિર્ણય લીધો છે. એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે, ‘અમે ટૂંક સમયમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરૂદ્ધ મહાભિયોગનો પ્રસ્તાવ રજૂ કરવા જઈ રહ્યા છીએ. આ અંગે કામગીરી ચાલી રહી છે.’ ઉલ્લેખનીય છે, કોંગ્રેસ સાંસદ સૈયદ નાસિર હુસૈને આ મામલે પ્રતિક્રિયા આપી હતી કે, ‘આ મામલે પક્ષની અંદર હાલ કોઈ વિચારણા થઈ નથી. જો જરૂર પડી તો નિયમાનુસાર કોંગ્રેસ મહાભિયોગ પ્રસ્તાવ લાવી શકે છે.’ભારતીય લોકતંત્રના ત્રણ મહત્ત્વપૂર્ણ સ્તંભ છે. વિધાનસભા, કારોબારી અને ન્યાયતંત્ર. આ ત્રણેય સ્તંભમાં કોઈ દુરાચાર કે અયોગ્યતા જણાય તો તેમની વિરૂદ્ધ સાંસદો દ્વારા મહાભિયોગનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવે છે. આ પ્રસ્તાવ રજૂ કરવા માટે ઓછામાં ઓછા 100 સાંસદોના હસ્તાક્ષર હોવા જરૂરી છે. રાજ્યસભામાં પ્રસ્તાવ રજૂ કરવા માટે 50 સભ્યોનું સમર્થન જરૂરી છે. આ પ્રસ્તાવ લોકસભામાં સ્પીકર અથવા રાજ્યસભાના સભાપતિને સોંપવામાં આવે છે.