Mumbai,તા.20
ભારતીય ટીમ સપ્ટેમ્બરથી ડિસેમ્બર 2025 સુધી ખૂબ જ વ્યસ્ત છે. હાલમાં ભારતીય ટીમ UAE માં એશિયા કપની ટુર્નામેન્ટ રમી રહી છે. એશિયા કપ બાદ ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડિઝ સામે બે ટેસ્ટ મેચ રમશે. બે દિવસ પહેલા જ ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝે ભારત સામેની 2 ટેસ્ટ મેચની સીરિઝ માટે પોતાની ટીમની જાહેરાત કરી હતી. હવે વેસ્ટ ઈન્ડિઝ ટીમના મુખ્ય કોચ ડેરેન સેમીનું મેચને લઈને નિવેદન સામે આવ્યું છે.
વેસ્ટ ઈન્ડિઝના મુખ્ય કોચ ડેરેન સેમીનું માનવું છે કે તેમની ટીમની બોલિંગમાં એટલી વિવિધતા છે કે તે ભારતમાં તેમની ટીમના બોલર 20 વિકેટ તો સરળ રીતે લઈ શકે છે. આવનારી બે મેચની સીરિઝ પહેલા જ કોચ ડેરેને તેની ટીમને સૂચના આપી હતી કે ભારત સામે રમતા પહેલા ન્યૂઝીલેન્ડની ટીમથી પ્રેરણા લેવી જોઈએ, કારણ કે ગયા વર્ષે ન્યુઝીલેન્ડની ટીમે ભારતની ધરતી પર ભારતીય ટીમને હરાવી ઇતિહાસ રચ્યો હતો. જણાવી દઇએ કે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ સામેની પહેલી ટેસ્ટ મેચ બે ઑક્ટોમ્બરથી અમદાવાદમાં શરૂ થશે અને બીજી મેચ 10 ઑક્ટોમ્બરથી રમાશે.ડેરેન સેમીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું, ‘હવે અમે એવી પરિસ્થિતિમાં છીએ જ્યાં અમારી ટીમના બોલર કોઇપણ સંજોગે વિકેટ લેવામાં સક્ષમ છે. અમારી પાસે ખાસ ચાર જુદા-જુદા ફાસ્ટ બોલર છે, અમારી પાસે શમર જોસેફ છે, જે બિલકૂલ વિકેટ લેવાની ક્ષમતા ધરાવે છે અને જુદી–જુદી રીતે બેટરને હેરાન કરી શકે છે. અમારી પાસે જેડન છે, જે બોલને બંને રીતે સ્પિન કરી શકે છે. અમારી પાસે અલ્ઝારી જોસેફ છે જે તેની હાઇટને કારણે સારી બોલિંગ કરી શકે છે. આવી રીતે અમારી પાસે 20 વિકેટ લેવાની ક્ષમતા છે.’