Dhaka,તા.23
બાંગ્લાદેશ એરફોર્સના ટ્રેઇનિંગ વિમાનના દુર્ઘટના સ્થળે વચગાળાની સરકારના ટોચના અધિકારીઓની મુલાકાત દરમિયાન મંગળવારે હજારો વિદ્યાર્થીઓએ દુર્ઘટનાની સાચી માહિતી આપવાની માંગ સાથે દેખાવો કર્યા હતાં.
દેશના સૌથી ઘાતક વિમાન અકસ્માત પૈકીના એકમાં મૃતકોની સંખ્યા વધીને ૩૧ થઇ ગઇ છે જેમાં ૨૫ બાળકો પણ સામેલ છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર ચીનમાં નિર્મિત ટ્રેઇનિંગ સૈન્ય વિમાન એફ-૭ બીજીઆઇ વિમાનમાં ઉડ્ડયનની થોડીક જ ક્ષણોેમાં યાંત્રિક ખામી સર્જાઇ હતી. આ વિમાન ઢાકાની ઉત્તરમાં માઇલસ્ટોન સ્કૂલ અને કોલેજની બે માળની બિલ્ડિંગ સાથે ટકરાયું હતું.
સેનાની મીડિયા પાંખ ઇન્ટર સર્વિસિઝ પબ્લિક રિલેશન્સ (આઇએસપીઆર)ના જણાવ્યા અનુસાર દુર્ઘટનામાં મૃતકોની સંખ્યા વધીને ૩૧ થઇ ગઇ છે.
આ અગાઉ મુખ્ય સલાહકાર ખાસ સલાહકાર સઇદુર રહેમાને પત્રકારોને જણાવ્યું હતું કે ઓછામાં ઓછા ૨૫ બાળકોનાં મોત થયા છે જેમાં મોટા ભાગના બાળકોની ઉંમર ૧૨ વર્ષથી ઓછી હતી. આ બાળકોના ગંભીર રીતે બળી જવાને કારણે મોત થયા છે. અધિકારીઓને આશંકા છે કે મૃતકોની સંખ્યા હજુ પણ વધી શકે છે.
આઇએસપીઆરના જણાવ્યા અનુસાર કમ્બાઇન્ડ મિલિટરી હોસ્પિટલમાં ૧૬ લોકો, નેશનલ ઇન્સ્ટીટયૂટ ઓફ બર્ન એન્ડ પ્લાસ્ટિક સર્જરીમાં ૧૦, લુબાના જનરલ હોસ્પિટલમાં બે, ઢાકા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં એક, ઉત્તરા આધુનિક મેડિકલ કોલેજ હોસ્પિટલમાં એક અને યુનાઇટેડ હોસ્પિટલમાં એક વ્યકિતનું મોત થયું છે. ઢાકાની ૧૦ હોસ્પિટલોમાં ૧૬૫ ઘાયલોની સારવાર ચાલી રહી છે.