Rajkot,તા.10
રાજકોટ-જેતપુર સિકસલેનની ચાલતી કામગીરીને લઈ આ હાઈવે પર ટ્રાફિક સમસ્યા વાહન ચાલકો માટે શિરદર્દ સમાન બની ચુકી છે. આ મામલે કોંગ્રેસ દ્વારા કલેકટર કચેરી પર હલ્લાબોલ કરાતા વહીવટીતંત્ર અને હાઈવે ઓથોરિટી હરકતમાં આવી જવા પામી છે.
રાજકોટ-જેતપુર હાઈવે પર વકરેલી આ ટ્રાફિક સમસ્યાને નાથવા માટે કલેકટર ડો.ઓમપ્રકાશે હાઈવે ઓથોરિટી અને જિલ્લા પોલીસ વડા સાથે તાબડતોબ બેઠક યોજી પગલા લેવા માટે તાકીદ કરી હતી. જે બાદ રાજકોટ-જેતપુર હાઈવે પર નિર્માણ થઈ ચૂકેલા ત્રણ ઓવરબ્રીજને ખુલ્લા મુકવા માટે હાઈવે ઓથોરિટી દ્વારા તૈયારી દર્શાવવામાં આવી હતી.
જે બાદ કલેકટર ડો.ઓમપ્રકાશે જણાવ્યું હતું કે, રાજકોટ-જેતપુર હાઈવે પર વિરપુર બાયપાસ પાસેનો નિર્માણ કરાયેલ ઓવરબ્રીજ આજે સાંજ સુધીમાં વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકી દેવાશે. જે બાદ અઠવાડિયામાં અન્ય બે બ્રીજો પણ આ હાઈવે પર ખુલ્લા મુકી દેવાશે. આમ ત્રણ બ્રીજ ખુલ્લા મુકાતા આ હાઈવે પર ટ્રાફિક સમસ્યામાં રાહત થશે.
બીજી તરફ હાઈવે ઓથોરિટીના અધિકારીઓનો સંપર્ક કરાતા તેઓએ પણ જણાવ્યું હતું કે, આજે સાંજ સુધીમાં જો વરસાદ નહી આવે તો વિરપુર બાયપાસ પાસેના બ્રિજનું જે થોડુ કામ બાકી છે તેને પૂર્ણ કરી આ બ્રિજ સાંજ સુધીમાં વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકી દેવામાં આવશે.
આ દરમ્યાન કલેકટર ડો.ઓમપ્રકાશે આ તકે એવું પણ જણાવ્યું હતું કે રાજકોટ-જેતપુર હાઈવે પર સિકસલેન હાઈવેની જે કામગીરી ચાલી રહી છે તેને લઈને ટોલટેકસમાં રાહત આપવામાં આવી છે. વાહનચાલકો પાસેથી વસુલાતા ટોલટેકસમાં 25 ટકાનો ઘટાડો ગત એપ્રિલ 2025થી કરવામાં આવેલ છે.