ત્રણેય ચેકની રકમ રૂા. ૨,૧૭,૨૮૪ ફરીયાદીને બે માસમાં ચુકવવામા નિષ્ફળ જાય તો વધુ ત્રણ માસની કેદ
Rajkot,તા.23
રાજકોટના બેડી યાર્ડની કમિશન એજન્ટ પેઢી મારફત મગફળીની ખરીદી કરીને પેમેન્ટ પેટેના કુલ રૂપિયા ૨.૭૯ લાખના ત્રણ ચેક રિટર્ન થવાના કેસમાં લાલા ટ્રેડર્સના માલિક નમન પ્રદીપભાઈ ચોટાઈ ને એક વર્ષની કેદ અને ચેકની રકમ વળતર પેટે ફરિયાદીને ચૂકવી દેવાનો હુકમ કર્યો છે.હુકમની તારીખથી દિન-૬૦ માં રકમ ચૂકવવામાં કસુર કર્યેથી આરોપીને વધુ ત્રણ માસની કેદની સજા ફરમાવવાનો હુકમ કરવામાં આવેલ છે.આ કેસની હકીકત મુજબ, રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં પેઢી ધરાવતા મહેતા ઓધવજી નારણજી નામે ભાગીદારી પેઢીના ભાગીદાર દરજજે યોગેશભાઈ શાંતીલાલ મહેતા (ઠે. એ-૧૧૨, સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટીંગ યાર્ડ, બેડી, રાજકોટ) કમિશન એજન્ટ પેઢી મારફત લાલા ટ્રેડર્સના માલીક દરજજે નમનભાઈ પ્રદીપભાઈ ચોટાઈ (ઠે. એ- ૧૨૨, સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટીંગ યાર્ડ, બેડી) છેલ્લા બે વર્ષથી મગફળીની ખરીદી કરતા હતા, દરમિયાન છેલ્લે તા. ૬/ ૩/ ૨૦૨૧ના રોજ રૂા. ૧,૭૦,૮૬૧ની મગફળી ખરીદ કરેલ હતી અને તે વખતે ફરીયાદીના ચોપડે બાકી નીકળતી કુલ રકમ રૂા. ૩,૬૨,૧૪૦ની માંગણી કરતા તે રકમ ચુકવવા માટે નમન ચોટાઈએ તેમની પેઢી વતી રૂા. ૭૨,૪૨૮નો એક એવા પાંચ ચેકો આપેલ હતા, જેની કુલ રકમ રૂા. ૩,૬૨,૧૪૦/- થતી હતી. ત્રણ ચેકો જેની કુલ રકમ રૂા. ૨,૧૭,૨૮૪/- પાસ થવા માટે રજુ કરતા તે ચેકો એક ચેક પેમેન્ટ સ્ટોપ્ડ બાય ડ્રોઅર અને બે ચેક લખનારના ખાતામાં અપૂરતી રકમની નોંધ સાથે પરત ફર્યા હતા. આથી યોગેશભાઈ મહેતાએ ચેકની રકમની રોકડમાં ચૂકવી દેવાની લીગલ નોટિસ નમન ચોટાઈને મોકલ્યા બાદ સમય મર્યાદામાં રકમનો ચૂકવતા અંતે એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં ફરિયાદ કરી હતી. આ કેસ ચાલવા ઉપર આવતા જેમાંં બંને પક્ષ ફ રજઆત બાદ ફરિયાદીના એડવોકેટ પથીક એન. દફતરીએ લેખિત મૌખિક દલીલ અને દસ્તાવેજી પુરાવાઓ રજૂ કર્યા હતા. દલીલો તેમજ તેને લગતા ગુજરાત હાઈકોર્ટ તથા સુપ્રીમકોર્ટના પ્રસ્થાપિત થયેલા ચુકાદાઓ રજૂ કર્યા હતા. જે કોર્ટ માન્ય રાખી આ કામના આરોપી લાલા ટ્રેડર્સ ના માલિક નમન પ્રદીપભાઈ ચોટાઈને રાજકોટના નવમા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જી. પી. ભોઈએ ધી નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ, ૧૮૮૧ની કલમ-૧૩૮ મુજબ શિક્ષાપાત્ર ગુનામાં ક્રિમિનલ પ્રોસીજર કોડ,૧૯૭૩ની કલમ ૨૫૫ (૨) અન્વયે તકસીરવાન ઠરાવી આવેલ તથા આ કામના આરોપીને એક વર્ષની કેદની સજા તેમજ આરોપીને તકરારી ત્રણેય ચેકોની કુલ રકમ રૂા. ૨,૧૭,૨૮૪ ફરીયાદીને વળતર તરીકે હુકમની તારીખથી દિન-૬૦ માં ચુકવી આપવા હુકમ કરવામાં આવ્યો છે. તેમ કરવામાં કસુર કર્યેથી આરોપીને વધુ ત્રણ માસની કેદની સજા ફરમાવવાનો હુકમ કરવામાં આવેલ છે. આ કામે ફરીયાદી તરફે દફતરી લો-ચેમ્બર્સના ધારાશાસ્ત્રી પથીક. એન. દફતરી, ભાવીન એન. દફતરી, યુવરાજસિંહ જાડેજા, સંજયસિંહ જાડેજા, નેહા દફતરી, નુપુર દફતરી, નીશા સુદ્દા, શીવાંગી મજેઠીયા રોકાયા હતા.

