Mirzapurતા.૨
પદ્મ વિભૂષણ પુરસ્કાર વિજેતા અને સુપ્રસિદ્ધ અર્ધ-શાસ્ત્રીય ગાયક પંડિત છન્નુલાલ મિશ્રાનું ગુરુવાર, ૨ ઓક્ટોબરના રોજ વહેલી સવારે અવસાન થયું. તેમણે ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર સ્થિત તેમના નિવાસસ્થાને સવારે ૪ઃ૩૦ વાગ્યે અંતિમ શ્વાસ લીધા. તેઓ ૮૯ વર્ષના હતા. તેઓ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા અને બનારસ હિન્દુ યુનિવર્સિટીના ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસમાં સારવાર લઈ રહ્યા હતા. ઘણા અહેવાલો અનુસાર, તેમની નાની પુત્રી, ડૉ. નમ્રતા મિશ્રાએ જણાવ્યું હતું કે મિશ્રાની તબિયત બુધવારે મોડી રાત્રે બગડી હતી. તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ડોક્ટરોએ તેમને સવારે ૪ઃ૩૦ વાગ્યે મૃત જાહેર કર્યા.
પંડિત છન્નુલાલ મિશ્રાના અંતિમ સંસ્કાર કાશીમાં કરવામાં આવ્યા હતાં અને તેમના પાર્થિવ શરીરને વારાણસી લાવવામાં આવ્યો હતો તેમના એકમાત્ર પુત્ર, તબલા વાદક પંડિત રામકુમાર મિશ્રાએ મણિકર્ણિકા ઘાટ ખાતે તેમના પાર્થિવદેહને અગ્નિદાહ આપ્યો હતો પંડિત છન્નુલાલ મિશ્રાનો જન્મ ૩ ઓગસ્ટ, ૧૯૩૬ ના રોજ ઉત્તર પ્રદેશના આઝમગઢ જિલ્લાના હરિહરપુરમાં થયો હતો. તેમણે શરૂઆતમાં તેમના પિતા બદ્રી પ્રસાદ મિશ્રા પાસેથી સંગીત શીખ્યું. ત્યારબાદ છન્નુલાલ મિશ્રાએ ઉસ્તાદ અબ્દુલ ગની ખાન પાસેથી ભારતીય શાસ્ત્રીય સંગીત શીખ્યું. તેઓ પ્રખ્યાત તબલા વાદક પંડિત અનોખેલાલ મિશ્રાના જમાઈ પણ હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે પ્રખ્યાત શાસ્ત્રીય ગાયક પંડિત છન્નુલાલ મિશ્રાના નિધન પર શોક વ્યક્ત કરતા કહ્યું કે તેમણે વૈશ્વિક મંચ પર ભારતીય સંગીત પરંપરાઓ સ્થાપિત કરવામાં અમૂલ્ય યોગદાન આપ્યું છે. ટિ્વટર પર પોસ્ટ કરેલા એક શોક સંદેશમાં તેમણે લખ્યું, “પ્રખ્યાત શાસ્ત્રીય ગાયક પંડિત છન્નુલાલ મિશ્રાના નિધનથી હું ખૂબ જ દુઃખી છું. તેમણે ભારતીય કલા અને સંસ્કૃતિના સંવર્ધન માટે પોતાનું જીવન સમર્પિત કર્યું. તેમણે માત્ર શાસ્ત્રીય સંગીતને લોકો સુધી પહોંચાડ્યું જ નહીં પરંતુ વિશ્વ મંચ પર ભારતીય પરંપરાઓ સ્થાપિત કરવામાં પણ અમૂલ્ય યોગદાન આપ્યું. મારા માટે સદભાગ્ય છે કે મને હંમેશા તેમનો પ્રેમ અને આશીર્વાદ મળ્યા. તેઓ ૨૦૧૪ માં વારાણસી બેઠક માટે મારા પ્રસ્તાવક પણ હતા.” આ દુઃખની ઘડીમાં હું તેમના પરિવાર અને ચાહકો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. ઓમ શાંતિ!’