Dubai,તા.15
ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓએ દુબઈમાં પાકિસ્તાનને 7 વિકેટથી કારમી હાર આપી હતી. મેચ બાદ ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે સ્પષ્ટ કહ્યું કે, અમે પહલગામ આતંકવાદી હુમલાના પીડિતો સાથે ઉભા છીએ અને આ જીત દેશને સમર્પિત છે. ટોસ દરમિયાન ભારતના કૅપ્ટન સૂર્યકુમાર યાદવે પાકિસ્તાનના કૅપ્ટન સલમાન અલી આગા સાથે હાથ નહોતો મિલાવ્યો, ત્યારબાદ જ્યારે તેઓ મેચ જીતી ગયા ત્યારે પણ ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાની ટીમ પર કોઈ ધ્યાન આપ્યું નહીં અને તેમની સાથે હાથ ન મિલાવ્યા.
ક્રિકેટ દ્વારા ફરી એકવાર ભારતે આખી દુનિયાને એ સંદેશ આપ્યો કે પાકિસ્તાન સામે રમવું અમારી મજબૂરી છે, પરંતુ અમે આતંકવાદને ક્યારેય સહન નહીં કરીશું અને દુશ્મન દેશને ગળે લગાવવાની ભૂલ ક્યારેય કોઈ પણ સંજોગોમાં નહીં કરીએ. આ મેચમાં ભારતીય ટીમના ખેલાડીઓએ પાકિસ્તાની ખેલાડીઓની સંપૂર્ણ અવગણના કરી. તેઓ મેદાન પર આવ્યા, રમ્યા અને કોઈપણ વિવાદ વિના ચાલ્યા ગયા. હવે પાકિસ્તાનને ભારતીય ટીમનું આ વર્તન ન ગમ્યું અને તેની સામે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. પાકિસ્તાન ટીમના મેનેજરે મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટ સામે પણ ફરિયાદ નોંધાવી છે અને એવું કહેવામાં આવ્યું છે કે તેમણે બંને દેશોના કેપ્ટનોને હાથ ન મિલાવવા વિનંતી કરી હતી. હવે સવાલ એ છે કે શું આ ફરિયાદ પછી ભારતીય ટીમ પર કોઈ પ્રકારનો દંડ ફટકારવામાં આવશે? આનો જવાબ ‘ના’ છે.ICC કે ACC ના કોઈ પણ રુલ બુકમાં એવું નથી લખ્યું કે, જો કોઈ ટીમનો ખેલાડી બીજી ટીમના ખેલાડી સાથે હાથ ન મિલાવે, તો તેના પર કોઈ દંડ ફટકારવામાં આવશે. હાથ મિલાવવો એ કોઈ નિયમ નથી પણ તેને માત્ર ખેલ ભાવના તરીકે જોવામાં આવે છે. આ જ કારણ છે કે મેચ પછી બંને ટીમોના ખેલાડીઓ એકબીજા સાથે હાથ મિલાવે છે. જો કોઈ કોઈની સાથે હાથ ન મિલાવે, તો તેને માત્ર ખેલ ભાવનાની વિપરિત જ માની શકાય છે, તેનાથી વધારે કંઈ નહીં.