Mumbai,તા.07
પાકિસ્તાનના ઉભરતા સ્ટાર બેટર સમીર મિન્હાસે અંડર-19 ક્રિકેટ જગતમાં ઈતિહાસ રચી દીધો છે. ઝિમ્બાબ્વે સામે રમાયેલી ત્રિકોણીય સિરીઝની ફાઈનલમાં સમીરે માત્ર 42 બોલમાં સદી ફટકારીને યુવા વનડે (Youth ODI) ઈતિહાસની સૌથી ઝડપી સદીનો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. આ સાથે તેણે ભારતના યુવા બેટર વૈભવ સૂર્યવંશીનો 52 બોલની સદીનો રેકોર્ડ પણ ધ્વસ્ત કર્યો છે.
ઝિમ્બાબ્વેની રાજધાની હરારેમાં રમાયેલી આ ફાઈનલ મેચમાં ઝિમ્બાબ્વે સામે પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ પસંદ કરી હતી. પાકિસ્તાની બોલર ઉમર ઝૈબની (4 વિકેટ) ઘાતક બોલિંગ સામે ઝિમ્બાબ્વેની ટીમ નિસહાય બની ગઈ હતી. એક સમયે 15 રનમાં 5 વિકેટ ગુમાવ્યા બાદ માઈકલ બ્લિગ્નોટ (60) અને તાતેન્ડાની લડાયક બેટિંગના સહારે ટીમ 158 રન બનાવી શકી હતી. 159 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાની ટીમે સમીર મિન્હાસની તોફાની બેટિંગના જોરે માત્ર 16.2 ઓવરમાં લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.
સમીર મિન્હાસે 51 બોલમાં 114 રન બનાવ્યા, જેમાં 17 ચોગ્ગા અને 5 છગ્ગાનો સમાવેશ થાય છે. તેણે મોહમ્મદ શાયાન સાથે 145 રનની ઓપનિંગ ભાગીદારી કરી અને પાકિસ્તાને વિકેટ ગુમાવ્યા વિના ટાઈટલ જીતી લીધુ હતું.
યુવા વનડેમાં સૌથી ઝડપી સદી
| ક્રમ | ખેલાડી (દેશ) | બોલ | વિરોધી ટીમ | વર્ષ |
| 1 | સમીર મિન્હાસ (પાકિસ્તાન) | 42 | ઝિમ્બાબ્વે | 2026 |
| 2 | વૈભવ સૂર્યવંશી (ભારત) | 52 | ઇંગ્લેન્ડ | 2025 |
| 3 | વૈભવ સૂર્યવંશી (ભારત) | 56 | યુએઈ | 2025 |
| 4 | કાસિમ અકરમ (પાકિસ્તાન) | 63 | શ્રીલંકા | 2022 |
| 5 | જેડન ડ્રેપર (ઓસ્ટ્રેલિયા) | 65 | ભારત | 2025 |
ઉલ્લેખનીય છે કે, સમીર મિન્હાસે ગયા મહિને જ અંડર-19 એશિયા કપની ફાઈનલમાં ભારત સામે 172 રનની શાનદાર ઈનિંગ રમી હતી. હવે આગામી અંડર-19 વર્લ્ડ કપમાં પણ તેની પર સૌની નજર રહેશે.

