Mumbai,તા.08
પાકિસ્તાનના યુવા બેટ્સમેન હૈદર અલીની ઈંગ્લેન્ડમાં દુષ્કર્મના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના 3 ઓગસ્ટના રોજ બની હતી, જેની માહિતી હવે પ્રકાશમાં આવી છે. 24 વર્ષીય બેટ્સમેન હૈદર પાકિસ્તાન એ ટીમ (પાકિસ્તાન શાહીન)નો ભાગ છે.
3 ઓગસ્ટના રોજ, તે કેન્ટરબરી ગ્રાઉન્ડ પર MCSAC (મેલબોર્ન ક્રિકેટ ક્લબ ટીમ) સામે મેચ રમી રહ્યો હતો. ત્યારબાદ ગ્રેટર માન્ચેસ્ટર પોલીસે તેને મેદાન પરથી જ ધરપકડ કરી હતી. બાદમાં તેને જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો, પરંતુ તેનો પાસપોર્ટ જપ્ત કરવામાં આવ્યો છે જેથી તે દેશની બહાર ન જઈ શકે.
આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ હૈદર અલીને હાલ પૂરતો સસ્પેન્ડ કરી દીધો છે. અહેવાલ મુજબ, ’જે છોકરીએ હૈદર પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે તે મૂળ પાકિસ્તાની છે.’
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “અમને ધરપકડની જાણ કરવામાં આવી છે. તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી હૈદરને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે, અને અમે યુકેમાં અમારી તપાસ કરીશું. બોર્ડ આ મુશ્કેલ સમયમાં હૈદરને કાનૂની સહાય પૂરી પાડશે.”